ગાંધીનગરના વૃદ્ધને ધનવાન બનાવવાની લાલચ આપી મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પાડવા ગામના ઢોંગી ગુરુ મહારાજે 5 લાખ પડાવી લઈ જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી લાગી આવતા વૃદ્ધ સુસાઇડ નોટ લખી ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસે ઢોંગી મહારાજ અને તેના અનુયાયીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેક્ટર-13માં રહેતા દેવેન્દ્રભાઇ ઉર્ફે સાગર તેજાભાઈ પરમાર પેથાપુરમાં એક કપડાની દુકાનમાં નોકરી કરતા હતા. 22 મેના રોજ દેવેન્દ્રભાઈએ એસ.ટી ડેપોની પાછળ ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. દેવેન્દ્રભાઈએના પેન્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેના પણ દેવેન્દ્રભાઈના હસ્તાક્ષર હતા.
સુસાઇડ નોટમાં આપઘાતનું કારણ લખ્યું
આ સુસાઇડ નોટમાં દેવેન્દ્રભાઈએ લખ્યું હતું કે, મારા ગુરુ મહારાજ કિરણભાઇ ચૌહાણના મકાનમા આવેલ મંદીર ખાતે જઇ તેઓ મને ઝડપી ધનવાન બનાવવાની લાલચ આપી કુલ રૂ. 5 લાખ જેટલી રકમ ત્રણ વર્ષમાં લીધી હતી. જો કે, તેમની વાતો કારગર ન થતા મારા પૈસા વારંવાર પાછા માગવા છતા તેઓ આપતા નહોતા અને ગુરુ મહરાજ તેમ જ તેનાં શિષ્ય રાજુભાઇ બારોટ, નટુજી ઠાકોર, સુરેશભાઇ પટેલ, રાયસિંગભાઇ ડામોર, વિજયભાઇ ઠાકોર, રમણદાદા (રમણભાઈ ઠાકોર) રાજુભાઇ ડામોર જાતિ વિષયક અપશબ્દો બોલીને જાનથી મારવાની ધમકી આપતા હતા. આથી ઉપરોકત તમામ બાબતોથી મને લાગી આવતા મેં મારુ જીવન ટુંકાવવાનો નિર્ણય કર્યો છે. આ મામલે દેવેન્દ્રભાઈના પુત્રે ફરિયાદ કરતા સેકટર–7 પોલીસે ઢોંગી ગુરુ મહારાજ તેમ જ તેના શિષ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

