માનહાનિ કેસ મામલે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે. ગુજરાતીઓને ઠગ કહેવાના મામલે કોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરાશે.
26 એપ્રિલે તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ નોંધાયો હતો. 1 મેના રોજ થયેલી પ્રથમ સુનાવણીમાં ફરિયાદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બીજી સુનાવણીમાં મેટ્રોપોલિટન કોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો. આ માનહાનિ કેસમાં આજે ત્રીજી અને મહત્વની સુનાવણી થવાની છે. ત્યારે આજની સુનાવણીમાં કોર્ટ નક્કી કરી શકે છે કે તેજસ્વી યાદવને સમન્સ મોકલવામાં આવશે કે નહીં.
સાક્ષીઓની પૂછપરછ બાદ હવે જોવાનું રહેશે કે કોર્ટ આ મામલે શું સ્ટેન્ડ લે છે, કારણ કે ફરિયાદએ આ મામલે તેજસ્વી યાદવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે પોતાની અરજીમાં કહ્યું છે કે તેજસ્વીએ સામૂહિક રીતે તમામ ગુજરાતીઓને ઠગ કહ્યા છે.
ગુજરાતની જનતાનું અપમાન કરવાનો આરોપ
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ત્રણ વાગ્યે સુનાવણી નિયત કરાઈ છે. જેમાં આજે ફરિયાદી વતી કેટલાક સાક્ષીઓ રજૂ કરવામાં આવશે. આ મામલે છેલ્લી સુનાવણી 8 મેના રોજ થઈ હતી. જેમાં કોર્ટે ફરિયાદીને પુરાવા રજૂ કરવા સાથે તપાસનો આદેશ કર્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી પર તેમના નિવેદનથી ગુજરાતની જનતાનું અપમાન કરવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ ગુજરાતમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા તેજસ્વી યાદવના કેસની આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી થશે.
ફરીયાદમાં આ બાબતનો કરાયો છે ઉલ્લેખ
તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ દાખલ થતા ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, બિહારના નાયબ મુખ્યમંત્રીના નિવેદનથી ગુજરાતની જનતાનું અપમાન થયું છે. આવી સ્થિતિમાં હરેશ મહેતા વતી તેજસ્વી યાદવનું નિવેદન નોંધ્યા બાદ આજે કેટલાક લોકોને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવી શકે છે. જેઓ કોર્ટમાં કહી શકે છે કે હા તેમને પણ તેજસ્વી યાદવના નિવેદનથી દુઃખ થયું છે. ફરિયાદી પક્ષ તરફથી મળેલી માહિતી અનુસાર પરવાનગી બાદ પાંચથી છ સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેઓ ગુજરાતના વિવિધ વિસ્તારના છે. જેઓએ સોશિયલ મીડિયાની ટીવી ચેનલ દ્વારા તેજસ્વી યાદવનું નિવેદન જોયું છે.

