વાલીઓ માટે વધુ એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સુરતમાં એક બાળકની શ્વાસનળીમાં ચીકુનું બીજ ફસાઈ જતાં દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. ઉધનામાં માતાએ બાળકને ચીકું ખવડાવ્યું હતું.
બાળક ચીકુંનું બીજ ગળી જતા બેભાન થઈ ગયું હતું અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યારે તબીબ દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. જો ચીકુમાંથી બીજ કાઢી લીધું હોત તો બાળક બચી ગયું હોત.
બાળકોના ખાવા પીવાથી લઈને દરેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ત્યારે કેટલાક સંજોગોમાં બેદરકારીના કારણે આ કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે સુરતમાં દરેક માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટના ઉધના વિસ્તારના કૈલાશનગરની છે. જ્યાં ઋષિ નામના બાળકને તેની માતા એ ચીકુ ખવડાવ્યું હતું અને ચીકું ખાધા બાદ બાળક બેભાન થઈ ગયું હતું. ચીકુનું બીજ શ્વાસનળીમાં ફસાઈ જતાં દોઢ વર્ષના બાળકની મુશ્કેલી ખૂબ વધી હતી. ચીકું ખાધાની થોડી જ મિનિટોમાં ઋષિ બેહોશ થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

