ભારતીય ક્રિકેટ ટીમે જૂનની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી ફાઇનલ મેચ રમવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ મેચ માટે અનિલ પટેલને ભારતીય ટીમના મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે.
અનિલ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી છે. આ પહેલા પણ અનિલ પટેલ ભારતીય ટીમ સાથે કેટલીક શ્રેણીમાં મેનેજરની ભૂમિકા ભજવી ચૂક્યા છે. આમાં તેમણે વર્ષ 2017, 2018 અને 2019 દરમિયાન આ ભૂમિકા ભજવી હતી. આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત બીસીસીઆઈ દ્વારા પહેલા જ કરવામાં આવી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ફાઇનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાની નજર આ ટાઈટલ પોતાના નામે કરવા પર છે, જેમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થવા જઈ રહ્યો છે. WTCની આ આવૃત્તિના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર રહીને કાંગારુ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટાઈટલ મેચ રમશે
રોહિત શર્મા ડબલ્યુટીસી ફાઈનલ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે, જ્યારે ટીમના વાઇસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી. લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં અજિંક્ય રહાણેની વાપસી જોવા મળી રહી છે. આ ટાઇટલ મેચમાં ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર પણ બધાની નજર રહેશે.
WTC 2023 ફાઈનલ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, ઈશાન કિશન (વિકેટ કીપર).
હાર બાદ પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી, પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર, આ ટીમો કરી શકે છે ક્વોલિફાઇ
IPL 2023 પ્લેઓફની ચાર ટીમોનું ચિત્ર હજુ સ્પષ્ટ નથી. ટુર્નામેન્ટમાં માત્ર 6 લીગ મેચો બાકી છે. બુધવારે, 17 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં દિલ્હીએ જીત નોંધાવીને પંજાબની પ્લેઓફની આશા લગભગ સમાપ્ત કરી દીધી હતી. હવે પંજાબે પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી મેચ જીતવાની સાથે અન્ય ટીમો પર ઘણો આધાર રાખવો પડશે.

