પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આગામી સમયમાં યોજાનાર મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજનાર વિવિધ કાર્યક્રમની માહિતી આપતી પત્રકાર પરિષદ સંબોધી હતી.
વાઘેલાએ જણાવ્યું કે ભારતના જનપ્રિય વડાપ્રધાન જેમને દેશની જનતાનો અપાર પ્રેમ સાંપડ્યો છે અને વિશ્વના એક માત્ર એવા નેતા છે કે જેમણે જનતાની અપેક્ષા પૂર્ણ કરી, જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીત્યો છે તેવા વિરલ વ્યકતિત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના નવ વર્ષ ૩૦મી મેના રોજ પૂર્ણ થઇ રહ્યા છે. વાઘેલાએ ૨૦૧૪ પહેલાની દેશની પરિસ્થિતીનો ચિતાર રજુ કરતા જણાવ્યું કે ભારત દેશ આંતરિક તેમજ બાહ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું અને તે સમયે ગુજરાતના વિકાસ મોડલને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરનાર નરેન્દ્રભાઈ મોદી એક માત્ર આશાની કિરણ હતા.કરોડો ભારતવાસીઓએ, રાષ્ટ્ર ભક્તોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ભારતના ભવિષ્ય માટે વિશ્વાસ મુક્યો અને જન જનની અપેક્ષાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પારદર્શક સુશાસનથી પૂર્ણ કરી.
વાઘેલાએ વધુમાં જણાવ્યું કે ૨૦૧૪ના ચુંટણી ઢંઢેરામાં ભાજપાએ આપેલ તમામ વચનો છેલ્લા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ કર્યા છે.રામ મંદિરનું નિર્માણ હોય, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને અનુચ્છેદ 35-એ દુર કરીને કાશ્મીરને ભારત સાથે જોડવાની વાત હોય,આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાની ઝીરો ટોલરન્સની નીતિ હોય, પાડોસી દેશો સાથે સંબધોની વાતો હોય, મજબુત વિદેશ નીતિ થકી દેશને સુરક્ષિત કરવાની વાત હોય, ગરીબ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ હોય, મહિલા સુરક્ષા તેમજ સશક્તિકરણ અને યુવાનોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપવાની અને રોજગારની વાત હોય, વીજળી વગરના હજારો ગામોમાં પ્રકાશ પાથરવાની વાતો હોય કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડમૂળથી ફેરફાર કરવાનો હોય,પાછલા નવ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરીને દેશના ૧૪૦ કરોડ નાગરિકોની અપેક્ષા પૂર્ણ કરી અપ્રતિમ પ્રેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પામ્યા છે.
વાઘેલાએ વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની આગેવાની અને કેન્દ્રીય ભાજપની યોજના અનુસાર ૩૦મી મેથી રાષ્ટ્રવ્યાપી મહા જનસંપર્ક અભિયાનનો શુભારંભ થવા જઈ રહ્યો છે આ અંતર્ગત ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલજી અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેજીની વિશિષ્ઠ ઉપસ્થિતમાં આવતીકાલે તારીખ ૧૭ મેના રોજ કર્ણાવતી મહાનગરના ટાગોર હોલ ખાતે પ્રદેશની બૃહદ કારોબારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વાઘેલાજીએ મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું કે પ્રદેશ કક્ષાએ પ્રદેશના પદાધિકારીઓ બૃહદ પત્રકાર પરિષદનું આયોજન કરશે.તે પછી ક્રમશઃ જીલ્લા મહાનગર સ્તરે જીલ્લા અધ્યક્ષ અને સાંસદઓ પત્રકાર પરિષદને સંબોધશે.કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા થયેલ વિકાસ કામોને સ્થળ પર પહોચીને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે. સ્થાનિક નાગરિકો સાથે તે અંગે વાર્તાલાપ કરવામાં આવશે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ જનસભાનું આયોજન કરવામાં આવશે.નવ વર્ષ બેમિસાલ અંતર્ગત ઘર-ઘર સંપર્ક કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન સમગ્ર દેશ તેમજ રાજ્યમાં એક મહિના સુધી ચાલશે.કેન્દ્રીય ભાજપની યોજના મુજબ ૫૧ જેટલી જનસભાઓનું આયોજન સમગ્ર દેશભરમાં કરવામાં આવ્યું છે.દરેક લોકસભા ક્ષેત્રમાં વિવિધ સંગઠનલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા તેમજ મંડળ સહ સંમેલનોનું આયોજન કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના વિશિષ્ઠ આગેવાનઓની યાદી બનાવીને નેતૃત્વ દ્વારા તેમનો સંપર્ક કરીને વાર્તાલાપ કરવામાં આવશે.
વાઘેલાએ વધુમાં જણાવ્યું કે પોતાનો રીપોર્ટ કાર્ડ પ્રજા સમક્ષ લઇ જવાની ભાજપની કાર્ય પદ્ધતિ રહી છે. ૨૦૧૯માં પણ દેશ સમક્ષ કરેલા કામોનું સરવૈયું લઈને ગયા હતા અને હવે ફરીથી એક વખત ૨૦૨૪ની લોકસભા ચુંટણીની પહેલા પ્રજા સમક્ષ અમારા કરેલા કાર્યોનો હિસાબ લઈને જઈશું. એક પ્રશ્ન ના જવાબમાં વાઘેલાએ જણાવ્યું કે કર્ણાટકમાં પણ ભાજપાના વોટ શેરમાં વધારો થયો છે. ભાજપનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી પરંતુ દરેક ચુંટણીમાંથી બોધપાથ લઇ ને આગળ વધે છે. આજે પણ દેશના ૧૫ રાજ્યોમાં ભાજપની સરકાર છે.સૌથી વધુ સાંસદો,ધારાસભ્યો,મહાનગર પાલિકા,નગરપાલિકા,જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતમાં ભાજપાના જન પ્રતિનિધિઓ સેવા આપી રહ્યા છે.

