ઓસ્ટ્રેલિયામાં રહેતા ચીની વિદ્યાર્થીઓના મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા પડાવવા માટે વર્ચ્યુઅલ અપહરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં આવા ચાર કિસ્સા સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ, ચીની અધિકારીઓના રૂપમાં ઠગોએ વિદ્યાર્થીઓને દ્રાવ્ય, તેઓને પોતાનું જ અપહરણ કરવાનું નાટક કરવા દબાણ કર્યું અને પછી ખંડણીમાં લાખો ઓસ્ટ્રેલિયન ડોલર ઉડાવી લીધા. આ વિદ્યાર્થીઓની ઉંમર 17થી 23 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે.
અહેવાલો અનુસાર, ગુનેગારોએ અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ પાસેથી સાત લાખ ડોલર એટલે કે 6 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓને ત્યાં સુધી ધમકી આપવામાં આવે છે, જ્યાં સુધી તેઓ આ ગુનેગારોને દોઢ લાખથી અઢી લાખ ડોલર ન આપી દે.
ચીની દૂતાવાસ હોવાનો કરે છે ઉલ્લેખ
જણાવી દઈએ કે, ગુનેગારો ફોન કરીને દાવો કરે છે કે તેઓ ચીની એમ્બેસી અથવા પોલીસમાંથી વાત કરે છે. તેઓ મેન્ડરિનમાં બોલે છે અને શરૂઆતમાં તેમના પીડિતોને કહે છે કે તેમના પર ચીનમાં કોઈ ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો છે અથવા તેમની ઓળખ ચોરાઈ ગઈ છે. ત્યાર બાદ ધમકી આપે છે કે જો તેઓ પૈસા નહીં આપે તો તેને ચીન પરત મોકલી દેવામાં આવશે. બાદમાં બદમાશો પોતાના શિકારને ત્યાં સુધી ધમકાવતા રહે છે જ્યાં સુધી તેઓ ઓફશોર બેંક ખાતાઓમાં મોટી રકમ જમા ન કરાવી દે.
આંખે પાટા બાંધીને બનાવડાવે છે વીડિયો
કેટલાક કિસ્સાઓમાં, પીડિત વિદ્યાર્થીઓને તેમના મિત્રો અને સંબંધીઓ સાથે કોઈ સંપર્ક ન કરવા માટે કહેવામાં આવ્યું, પછી બંધક હોવાનો ઢોંગ કરીને, આંખે પાટા બાંધીને પોતાનો વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી આવા વીડિયોનો ઉપયોગ ખંડણીની માંગણી માટે કરવામાં આવે છે.
આ રીતે ઉઘરાવે છે ખંડણી
તાજેતરમાં, એક વ્યક્તિએ 17 વર્ષના છોકરાને પોસ્ટલ સર્વિસના કર્મચારી તરીકે દર્શાવીને કહ્યું કે તેના નામે એક પેકેજ મળ્યું છે, જેમાં પ્રતિબંધિત વસ્તુ છે. તેને તપાસ માટે ચીનની પોલીસને મોકલવામાં આવી છે. તેણે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે $20,000 ચૂકવવા પડશે. બદમાશોએ યુવકને કહ્યું કે જો તે તેના પરિવાર પાસેથી પૈસા મેળવવા માંગતો હોય તો તેણે પોતાનું અપહરણ કરવું જોઈએ.
પીડિતોને સલાહ – આવા કોલ ઉપાડશો નહીં
ડિટેક્ટીવ સુપરિન્ટેન્ડેન્ટ જો ડુહેએ કહ્યું કે તે શરમજનક છે કે ગુનેગારો એવા વિદ્યાર્થીઓને નિશાન બનાવી રહ્યા છે જેઓ ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા આવ્યા છે. પોલીસે પીડિતોને આગળ આવવા વિનંતી પણ કરી. તેમણે સલાહ આપી કે જેમને પણ આવા કોલ્સ આવે છે તેઓ ફોનને ડિસ્કનેક્ટ કરે અને અધિકારીઓને કૌભાંડની જાણ કરે.

