ગાંધીનગરના ધોળાકુવા ગામમાં ગત મધરાતે જાહેર રસ્તા પરથી આવવા-જવા બાબતે ગામના ત્રણ માથાભારે શખ્સોએ એક યુવક સાથે માથાકૂટ કરીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મીડિયા અહેવાલ મુજબ, ધોળાકુવા ગામમાં ગત મધ રાતે જય અંબે પાન પાર્લર નજીક આવેલા પગીવાસમાં જાહેર માર્ગથી આવવા-જવાની નજીવી બાબતે 20 વર્ષીય વિશાલ શનાજી ઠાકોર સાથે ગામના પીન્ટુજી ઠાકોર, સાગર ઠાકોર અને ભોપુજી ઠાકોરે માથાકૂટ કરી હતી અને ગાળો બોલી વિશાલને છુટ્ટી બોટલ અને પથ્થર માર્યા હતા. ત્યાર બાદ વિશાલને ત્રણેય ઇસમોએ ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં ત્રણેય ધારિયું લઈને વિશાલની પાછળ દોડ્યા હતા.
જો કે, બૂમાબૂમ થતા ગામના લોકો ભેગા થતા હતા અને વિશાલનો જીવ બચાવ્યો હતો. જો કે, ત્રણેય ઇસમોએ વિશાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ માલલે વિશાલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ત્રણેય ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

