ગુરુવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક શાળામાં ગોળીબારમાં સાત શિક્ષકોના મોત થયા હતા. આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના પારાચિનારની શાળામાં બની હતી. પાક-અફઘાન બોર્ડર પાસે પારચિનારની શાળામાં ગોળીબારની ઘટના સામે આવી છે. કેટલાક હથિયારધારી માણસો શાળાના સ્ટાફ રૂમમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
ગોળીબારની આ ઘટના અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા સાત શિક્ષકોમાંથી ચાર શિયા સમુદાયના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુન્ની આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. જે જગ્યાએ ગોળીબાર થયો તે અફઘાન સરહદને અડીને આવેલો છે. ગોળીબારની ઘટના બાદ આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. ત્યાંના લોકોએ આ ઘટનાની સખત નિંદા કરી છે.
જણાવી દઈએ કે પારાચિનાર દાયકાઓથી સૈન્યના નેતૃત્વમાં શિયા નરસંહારનું સ્થળ રહ્યું છે. હક્કાની નેટવર્કે પારાચિનાર વિસ્તારમાં તબાહી મચાવી રાખી છે. અહીંના લોકોએ આ નેટવર્કની ઘણી હિંસાનો સામનો કરવો પડ્યો છે.
પાકિસ્તાનમાં તાજેતરના મહિનાઓમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓ વધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે સરકારનો યુદ્ધવિરામ સમાપ્ત થયો ત્યારથી આવી ઘટનાઓમાં વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2023માં 2018 પછી સૌથી વધુ હુમલા થયા છે. આ હુમલાઓમાં 134 લોકોના મોત થયા હતા જ્યારે 254 લોકો ઘાયલ થયા હતા.
તાજેતરમાં જ પાકિસ્તાનના લક્કી મારવત જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકો શહીદ થયા હતા.

