પાવાગઢથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માચી ખાતે આવેલા ચાચરચોકમાં નિર્માણાધીન રેન બસેરાનો એક ભાગ તૂટી જતા તેની નીચે ઊભા રહેલા 8 જેટલા શ્રદ્ધાળુઓ પર કોંક્રિટનો સ્લેબ પડ્યો હતો. આથી તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે 1 મહિલા શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે. બપોરના સમયે ગાજવીજ સાથે વરસાદ થતા કેટલાક શ્રદ્ધાળુઓ રેન બસેરા નીચે ઊભા હતા, ત્યારે આ દુર્ઘટના બની છે.
મળતી માહિતી મુજબ, પાવાગઢના માચી ખાતે આવેલા ચાચરચોકમાં ગુરુવારે એક ગોઝારી ઘટના બની છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે અહીં કલાત્મક રેન બસેરા બનાવવામાં આવ્યા છે. આજે બપોરે ગાજવીજ સાથે વરસાદ થતા કેટલા શ્રદ્ધાળુઓ આ રેન બસેરા નીચે ઊભા હતા. ત્યારે અચાનક રન બસેરાનો ઘુમ્મટ ધરાશાયી થયો હતો અને કોંક્રિટનો એક સ્લેબ નીચે ઊભા રહેલા શ્રદ્ધાળુઓ પર પડ્યો હતો. આથી 8 જેટલા શ્રદ્ધાળુઓને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમને સારવાર અર્થે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા છે. જ્યારે આ પૈકીના 3ની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વડોદરા રેફર કરાયા છે.
મૃતક મહિલા વડોદરાની
આ દુર્ઘટનામાં એક મહિલા શ્રદ્ધાળુનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. મૃતક મહિલા વડોદરાની હોવાનું જણાયું છે. આ હાદસામાં ત્રણ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકોને ગંભીર ઇજાઓ થઈ છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવીને શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

