હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝન ચાલી રહી છે, જેમાં ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઈટન્સ હાલ આઈપીએલના પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે અત્યાર સુધી 9 મેચ રમ્યા છે, જેમાંથી 6માં જીત હાંસલ કરી છે. ત્યારે આવતીકાલે ગુજરાત ટાઈટન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થવાનો છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મહાત્મા મંદિર પાસે એક મેદાનમાં સ્થાનિક યુવાનો સાથે ગલી ક્રિકેટ રમ્યા
જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચો રમાઈ રહી છે. ત્યારે એક મેચ દરમિયાન ગુજરાત ટાઈટન્સની ટીમ ગાંધીનગરના મહાત્મા મંદિર પાસેની એક હોટેલમાં રોકાઈ હતી. તે સમયનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખેલાડીઓ મહાત્મા મંદિર પાસે આવેલા એક મેદાનમાં સ્થાનિક યુવાનો સાથે ગલી ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે. હળવાશની પળોમાં હોટેલમાંથી બહાર નીકળેલા ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ સામાન્ય લોકોની જેમ નજીકના મેદાનમાં ક્રિકેટ રમતા સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમતા નજરે પડ્યા હતા. ગુજરાત ટાઈટન્સના ત્રણ ખેલાડી રાશિદ ખાન, ઓડિયન સ્મિથ અને નૂર અહેમદ કેઝ્યુઅલ વેરમાં સ્થાનિક યુવાનો સાથે ક્રિકેટ રમી બેટિંગ અને બોલિંગ કરી હતી.
ફેન્સે ખેલાડીઓની સાદગીને ખૂબ પસંદ કરી
આઈપીએલના સ્ટાર ખેલાડીઓને અચાનક મેદાનમાં જોઈ ત્યાં ક્રિકેટ રમી રહેલા સ્થાનિક યુવાનો પણ ચોંકી ઊઠ્યા હતા અને તેમણે પણ ખેલાડીઓ સાથે ક્રિકેટ રમી હતી. ત્યારે હવે ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ ખેલાડીઓની સાદગીને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ લાઇક્સ મળી રહ્યા છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

