ભાવનગરના ડમીકાંડ અને તોડકાંડ મામલે સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક નવો ઘટસ્ફોટ થયો છે. મીડિયા અહેવાલ મુજબ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દહેગામમાં જમીન ખરીદી તેના 6 લાખ રૂપિયા યુવરાજસિંહના સસરાએ ભાવનગરની એક આંગડિયા પેઢીથી દહેગામ મોકલ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ SITની ટીમને હાથે લાગ્યા છે.
જણાવી દઈએ કે, ભાવનગરના તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધી યુવરાજસિંહના બે સાળા સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે વધુ એક નવો ઘટસ્ટોફ થયો છે. SITની ટીમને એક સીસીટીવી ફૂટેજ હાથે લાગ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, ગાંધીનગરના દેહગામમાં જમીન ખરીદી હોવાથી તેના 6 લાખ રૂપિયા યુવરાજસિંહના સસરાએ 7 એપ્રિલના રોજ ભાવનગરની પી.એમ.આંગડિયા પેઢી મારફતે દહેગામ મોકલ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ એસઆઈટીના હાથે લાગ્યા છે.
અત્યાર સુધી કુલ 84 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા
પોલીસના જણાવ્યા મુજબ, તોડકાંડ મામલે યુવરાજસિંહે આ રૂપિયા દહેગામમાં ખરીદેલી મિલકત માટે તેના કહેવાથી તેના સસરાએ મોકલ્યા હતા. આ મામલે પોલીસે યુવરાજસિંહ અને તેના માણસો પાસેથી અત્યાર સુધીમાં કુલ 84 લાખ 50 હજાર રૂપિયા રિકવર કર્યા છે. 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહી કરી સૌથી પહેલા આ કેસમાં યુવરાજસિંહના સાળા કાનભા અને તેના મિત્રના ઘરેથી 38 લાખ રૂપિયા એસઆઈટી દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાલા શિવુભાના એક મિત્ર પાસેથી રૂ. 25.50 લાખ અને આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રૂ. 5-5 લાખ રિકવર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તોડકાંડ મામલે શિવુભા ગોહિલ 25 એપ્રિલના રોજ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ભાવનગર પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાથ ધરી હતી.

