પશ્ચિમ મેક્સિકોમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માત શનિવારે થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે અને 33 લોકો ઘાયલ થયા છે. જાણકારી અનુસાર, આ બસ ગુઆયાબિટોસ જઈ રહી હતી. સ્થાનિક અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી.
નાગરિક સુરક્ષા અધિકારી પેડ્રો નુનેઝે જણાવ્યું કે બસ પડોશી રાજ્ય જાલિસ્કોના ગુઆડાલાજારાથી 220 કિલોમીટર દૂર જઈ રહી હતી. પ્રવાસીઓને લઈ જતી બસ અચાનક જ રોડ પરથી લપસીને ખીણમાં પડી ગઈ હતી. બસ નાયરિટમાં ગુઆયાબિટોસના દરિયા કિનારે આવેલા રિસોર્ટ વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. નુનેઝે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત પ્રવાસી બસમાં સવાર તમામ મુસાફરો મેક્સીકન નાગરિક હતા. જો કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ફરિયાદીની ઓફિસે ટ્વિટર પર જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ રાહત કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવા માટે ફેડરલ અને પ્રાંત અધિકારીઓ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બસ દુર્ઘટનામાં 11 મહિલાઓ અને 7 પુરૂષોના મોત થયા છે. તે જ સમયે, ઓછામાં ઓછા 11 ગંભીર રીતે ઘાયલ સગીરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

