અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક એસજી હાઈવે પર આવેલી એક હોટેલમાંથી એક યુવતીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતક યુવતી મિઝોરમની હોવાની અને અહીં સ્પામાં કામ કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જો કે, આ મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શહેરના 24 કલાક ધમધમતા વિસ્તાર એસજી હાઇવે પર આવેલી એક હોટેલમાં મંગળવારે એક યુવતીની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હોટેલ તંત્ર દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. આથી પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી મૂળ મિઝોરમની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ મૃતક યુવતી અહીં સ્પામાં કામ કરતી હોવાની જાણ થઈ છે.
યુવતીના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
આ મામલે હાલ બોડકદેવ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે મૃતક યુવતીના શવને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે યુવતીના પરિજનો, સગા-સંબંધી અને મિત્રનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. યુવતીની હત્યા કરવામાં આવી છે કે કેમ? તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે વિવિધ પાસા પર તપાસ શરૂ કરી છે.

