નરોડા હત્યાકાંડ મામલે 21 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં ચાલેલી સુનાવણીમાં ચુકાદામાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નરોડામાં તોફાનો દરમિયાન 11 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે 2008માં તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. ત્યારે આ મામલે 86 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો. કોર્ટે આપેલા ચૂકાદામાં બાબુ બજરંગી, માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
સેસન્સ કોર્ટમાં ચૂકાદો જાહેર થતા જ તમામ નિર્દોષ જાહેર થતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કોર્ટ પરીસરની બહાર જય શ્રીરામના નારા પણ લાગ્યા હતા.
13 દિવસમાં હજાર પાનાનો ચુકાદો લખાવાયો
આ કેસમાં 258 સાક્ષીઓ
6 સ્ટેનો પાસે 13 દિવસમાં હજાર પાનાનો ચુકાદો લખાવાયો.
10 હજાર પાનાની લેખિત દલીલો, 100 ચુકાદા ટાંકવામાં આવ્યા
આ કેસમાં 258 સાક્ષીઓ છે. 187 સાક્ષીઓની તપાસ્યા
86માંથી 17 આરોપીઓના થઈ ચૂક્યા છે મોત
કુલ 68 આરોપીઓ સામે ચાલી હતી ટ્રાયલ
કર્ફ્યુ લાદવો પડ્યો
હિંસક અથડામણ અટકાવવા અને તણાવ ઓછો કરવા નરોડા અને પાટિયામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. નરોડા ગામના લોકોની માંગ પર પોલીસે હિંસા અને અશાંતિ માટે 86 લોકો સામે ગુનો નોંધ્યો હતો. બાદમાં આ કેસની તપાસ વિશેષ તપાસ ટીમને સોંપવામાં આવી હતી. તે સમયે ગુજરાત સરકારના મંત્રી માયા કોડનાની પર લોકોને ઉશ્કેરવાનો આરોપ હતો. એફઆઈઆરમાં તેમના નામનો પણ ઉલ્લેખ હતો. ઘણા દિવસોના કર્ફ્યુ બાદ નરોડામાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
13 વર્ષથી ટ્રાયલ ચાલી રહી હતી
નરોડા ગામ હત્યાકાંડ કેસની સુનાવણી 13 વર્ષ સુધી ચાલી. આ સમયગાળા દરમિયાન છ જજો પણ બદલાયા હતા. બીજેપી નેતા અમિત શાહે પણ અગાઉ માયા કોડનાનીનો બચાવ કર્યો. જેમાં કોડનાનીએ દલીલ કરી હતી કે જ્યારે નરોડા હત્યાકાંડ થયો ત્યારે તે વિધાનસભામાં હાજર હતી. આ પછી તે સોલા સિવિલ હોસ્પિટલમાં હતી.
આ છે સમગ્ર મામલો
ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનના ડબ્બામાં કાર સેવકોને જીવતા સળગાવી દેવાયા બાદ ગુજરાતમાં અનેક જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં નરોડા ગામ હત્યાકાંડનો સમાવેશ થાય છે. ટ્રેન સળગાવવાના બીજા દિવસે 28 ફેબ્રુઆરીએ અમદાવાદના નરોડામાં ભારે હિંસા અને આગચંપી થઈ હતી. આ દરમિયાન એક સમુદાયના 11 લોકોના મોત થયા હતા. જેમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. બાદમાં આ ઘટનાને નરોડા ગામ હત્યાકાંડ તરીકે નામ આપવામાં આવ્યું. પોલીસે હિંસા માટે તત્કાલિન મંત્રી માયા કોડનાની સહિત 85 અન્ય લોકો સામે કેસ નોંધ્યો હતો. 2002ના ગુજરાત રમખાણો અંગે કુલ નવ કેસ નોંધાયા હતા. જેની તપાસ SIT દ્વારા કરવામાં આવી હતી અને તેમની સુનાવણી સ્પેશિયલ કોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં નરોડા ગામ હત્યાકાંડનો પણ સમાવેશ થાય છે.
હિંસક હુમલામાં મોત અને ઘાયલ થવાની ઘટના
ગોધરાકાંડના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ સતર્ક હતી ત્યારે લોકો નાના-નાના ટોળામાં ફરતા હતા. જે લોકોએ દુકાનો ખોલી હતી તેમને તેમની દુકાનો બંધ કરવા જણાવાયું હતું. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થયો. આ પછી સ્થિતિ બગડતી ગઈ. થોડા કલાકોમાં નરોડા ગામ બળી ગયું. પથ્થરમારો, આગચંપી, તોડફોડની ઘટનાઓ સતત વધી રહી છે, પોલીસે પરિસ્થિતિને સંભાળી ત્યાં સુધી હિંસક હુમલામાં આ મોત નિપજ્યા અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા.

