અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં ભીષણ આગ લાગી છે. અહીંના ટેક્સાસ પ્રાંતમાં એક ડેરી ફાર્મમાં વિસ્ફોટના કારણે આગ ફાટી નીકળી. જેના કારણે 18 હજાર ગાયોના મોતના સમાચાર છે. અમેરિકામાં આ પહેલી ઘટના છે જ્યારે એક સાથે આટલી ગાયોના મોત થયા હોય. કહેવાય છે કે ડિમિટ સિટીની સાઉથ ફોર્ક ડેરીમાં મશીન ફેલ થવાને કારણે વિસ્ફોટ થયો હતો. જેના કારણે આગ લાગી હતી. આગની ઘટનામાં 18 હજાર ગાયોના મોત થયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 11 એપ્રિલે બની હતી. ઘટનાની જાણ સવારે થઈ હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માત બાદ ઘણી ગાયોને બચાવી લેવામાં આવી હતી, જ્યારે ખેતરમાં ફસાયેલા એક વ્યક્તિને ત્યાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, આ ડેરી ફાર્મ એક પરિવારનું હતું, આ પરિવાર ટેક્સાસ પ્રાંતમાં દૂધ ઉત્પાદક હતો. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડે કલાકો સુધી પ્રયાસ કરવો પડ્યો હતો ત્યારે 18 હજાર ગાયો પણ દાઝી જવાના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું. હાલ આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. કાઉન્ટી જજ મેન્ડી ગેફલરે વિસ્ફોટના કારણ તરીકે સાધનસામગ્રીની ખામીને નકારી કાઢી હતી.
આ અંગે પોલીસ અધિકારી સાલ રિવેરાનું કહેવું છે કે એવી આશંકા છે કે મશીન ગરમ થવાને કારણે મિથેન ગેસ લીક થયો હશે. જેના કારણે વિસ્ફોટ થયો હશે. જેના કારણે ગાયોના ચારામાં આગ લાગી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
કાઉન્ટી જજ મેન્ડી ગેફલરે જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે દૂધ કાઢવા માટે ગાયોને એક વાડામાં બાંધવામાં આવી હતી. ડિમિટના મેયર રોજર મેલોને જણાવ્યું કે આ ઘટના હૃદયદ્રાવક હતી. અગાઉ ક્યારેય અહીં આવી ઘટના બની નથી. કેસની તપાસ ચાલી રહી છે.

