ગુજરાતમાં આ વર્ષે રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક વિસ્તારમાં પથ્થરમારો અને હિંસા ભડકી હતી. ત્યારે હવે આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે.
મીડિયા અહેવાલ મુજબ, અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. અરજીમાં છત્રાલ, હિંમતનગર અને વડાલીમાં રામનવમીના દિવસે ઘર્ષણનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ વડોદરા, પેટલાદ, ખંભાત અને ઉનામાં થયેલા ઘર્ષણનો પણ અરજીમાં ઉલ્લેખ છે. અરજીમાં આરોપ લગાવાયો છે કે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ન હોવાથી રમખાણો થતા હતા. આ સાથે અરજદારે રાજ્યમાં સતત વધી રહેલા રમખાણને લઈને પણ સવાલ ઉઠાવ્યાં છે.
પરશુરામ જયંતી અને રમઝાન ઈદની ઉજવણીમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત
અરજીમાં રાજ્યમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમો દરમિયાન રેલી, જૂલુસ અને અન્ય ધાર્મિક પ્રસંગો દરમિયાન આ પ્રકારની ઘટનામાં પોલીસ બેદરકારીથી કામ કરતી હોવાની આક્ષેપ કર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, અરજદારે અરજીમાં કહ્યું છે કે 22 એપ્રિલના રોજ પરશુરામ જયંતી અને રમઝાન ઈદની ઉજવણીમાં યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. અરજદારે લોકસભામાં મુકાયેલા પાછલા વર્ષોમાં થયેલા રમખાણોના આંકડા પણ હાઈકોર્ટમાં રજૂ કર્યા છે. માહિતી મુજબ, આગામી દિવસોમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે.

