અમેરિકા બાદ કેનેડા પણ બરફના તોફાનની ઝપેટમાં છે. અમેરિકાના અરકાનસાસ અને કેલિફોર્નિયા રાજ્યમાં તાજેતરના વિનાશકારી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી હતી, ત્યારે હવે ગુરુવારે કેનેડાના ક્વિબેક પ્રાંતમાં આવેલા બરફના તોફાનને કારણે બે લોકોના મોત થયા છે. તોફાનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતા લાખો ઘરો અંધારામાં ડૂબી ગયા છે. કેનેડામાં બરફના તોફાન બાદ અનેક વિસ્તારોમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે.
વાવાઝોડાને કારણે રાજ્યની વીજ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ત્યારે બરફના તોફાનની સાથે, ભારે વરસાદ પણ થયો હતો અને ઘણા વૃક્ષો અને મકાનોને નુકસાન થયું હતું. વીજ થાંભલા પણ પડી ગયા હતા. હાલમાં સામાન્ય જનજીવન પાટા પર લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
શુક્રવાર રાત સુધી મળી શકે છે રાહત
અહેવાલ અનુસાર, ક્યુબેક પ્રાંતમાં ગુરુવારે બરફવર્ષા અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતા રાજ્યના લાખો ઘર અંધારામાં રહેવા મજબૂર છે. ક્યુબેકમાં પાવર સપ્લાય કરતી સંસ્થા હાઈડ્રો ક્યુબેકનું કહેવું છે કે શુક્રવાર રાત સુધીમાં 70-80 ટકા ઘરોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાત લાખ લોકો હજુ પણ વીજળી વિના જીવવા મજબૂર છે. આમાંથી અડધા લોકો લગભગ 350,000ના મોન્ટ્રીયલ શહેરમાં રહે છે. એવા વિસ્તારો જ્યાં વીજળી નથી.

