મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા રાજ્ય સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતા હોય છે, પરંતુ સાચી હકીકત કઇંક જુદી જ છે. રાજ્યમાં છાશવારે દારૂના અડ્ડા, ભઠ્ઠી અને દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં જ દારૂની રેલમછેલ થઈ રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, આ વાયરલ વીડિયો સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર આવેલા એક સ્થળનો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક બુટલેગર બેફામ થઈને દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. દારૂનું વેચાણ કરતા આ બુટલેગરોને પોલીસનો પણ ખોફ નથી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે પણ કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે. કેટલાક નાગરિકોએ આમાં પોલીસની સંળોવણી હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. ત્યારે હવે જોવાનું છે કે ઉત્તરાણ પોલીસ આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે.
વરાછામાં દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
જણાવી દઈએ કે, શહેરના વરાછા વિસ્તારમાં લાભેશ્વર સોસાયટી નજીક ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આશરે 530 લીટર દેશી દારૂ સાથે 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી અને બુટલેગર કલ્પેશ ઉર્ફે કેકે બટુક અને સંજય વસાવા હાલ ફરાર છે. જાણવા મળ્યું છે કે, દેશી દારૂનો આ અડ્ડો પોલીસ ચોંકીથી માત્ર થોડા જ અંતરમાં ચાલતો હતો અને સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

