અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ વિવાદને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિરમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવશે. માહિતી મુજબ, ગાંધીનગરમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ભટ્ટજી મહારાજ અને સંત શિરોમણી સાથે બેઠક કરાઈ હતી, જેમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ચીકીનો પ્રસાદ પણ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકારે મધ્યસ્થી કરવાની ફરજ પડી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 12-13 દિવસથી સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પરંપરાગત મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. મંદિરના વહીવટી તંત્ર અને સત્તાધીશોના આ નિર્ણય સામે માઇ ભક્તોએ ભારે રોષ દાખવ્યો હતો. ત્યારે વિવિધ હિંદુ સંગઠન જેમ કે વિશ્વ હિંદુ સંગઠન અને બજરંગદળ દ્વારા પણ મંદિરમાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ લોકોની આસ્થા પર હુમલો કર્યાનો સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો. મોહનથાળના પ્રસાદનો વિવાદ સતત વકરી રહ્યો હોવાથી રાજ્ય સરકારે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.
મંદિરના ટ્રસ્ટી અને સંત શિરોમણી સાથે સરકારની બેઠક
મંગળવારે ગાંધીનગરમાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ દ્વારા મંદિરના ટ્રસ્ટી બટુક મહારાજ અને સંત શિરોમણી સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, હવે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવામાં આવશે અને સાથે જ ચીકીનો પ્રસાદ પણ ચાલુ રાખવામાં આવશે. સરકારના આ નિર્ણય બાદ માઇ ભક્તોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. 13 દિવસના સંઘર્ષ બાદ આખરે માઇ ભક્તોની જીત થઈ છે. તેમ ભક્તોનું કહેવું છે.

