મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં રાજ્ય સરકારે સોગંધનામું રજૂ કર્યું હતું અને શહેરી વિસ્તારોમાં આવેલા બ્રિજની નીતિ-નિયમો અંગે જવાબ રજૂ કર્યો હતો. આ સાથે મનપા-પાલિકા અને સત્તા મંડળો માટે નવી બ્રિજ નીતિ જાહેર કરાઈ હતી.
માહિતી મુજબ, ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગે નવી પુલ નીતિ જાહેર કરી છે. બ્રિજની જાળવણી માટે રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે મુજબ હવેથી રાજ્યના તમામ બ્રિજનું મે અને ઓક્ટોબરમાં નિરીક્ષણ કરાશે. એટલે હવેથી વર્ષમાં બે વાર રાજ્યના તમામ બ્રિજ અને નાળાનું નિરીક્ષણ કરાશે. આ સાથે બ્રિજ અને નાળાના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. એક્ઝિક્યૂટિવ ઈજનેરના શિરે રહેશે. સરકારી ગાઇડલાઇન્સ મુજબ, હવેથી વર્ષમાં સમયાંતરે અધિકારીઓએ બ્રિજ અને નાળાનું ફરજિયાત નિરીક્ષણ કરવાનું રહેશે. નિરીક્ષણ કરી રિપોર્ટ પણ રજિસ્ટર કરવાનો રહેશે.
રાજ્યના કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામની જરૂર
જાણાવી દઈએ કે, મોરબી ઝૂલતા પુલની હોનારતમાં આશરે 150 લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટના બાદ હાઈકોર્ટે સુઆમોટો અરજી પર સુનાવણી હાથ ધરી હતી અને રાજ્ય સરકારને રાજ્યના તમામ બ્રિજ અંગે તપાસ કરી તેનો સંપૂર્ણ અહેવાલ કોર્ટમાં રજૂ કરે. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યના કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામની જરૂર છે.

