રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં રહેતા યુવક સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. ઢોર ચરાવતી વખતે એક અજાણ્યા શખ્સે આપેલી સિગારેટ પીવાથી યુવાન બેભાન થઈ ગયો હતો. સારવાર માટે યુવકને રાજકોટ હોસ્પિટલ લવાયો હતો, જ્યાં ભાનમાં આવ્યા બાદ યુવકનું બોલવાનું બંધ થઈ ગયું હતું.
માહિતી મુજબ, રાજકોટના પડધરી વિસ્તારમાં આવેલા ગીતાનગરમાં 26 વર્ષીય કૃષ્ણા ચા૨ણ પરિવાર સાથે રહે છે. રોજની જેમ કૃષ્ણા ઢોર ચરાવવા ગયો હતો ત્યારે એક અજાણ્યા શખ્સે આવીને કહ્યું કે, આ લે તારા ભાઈએ આપી છે પી જા…ત્યાર બાદ અજાણ્યા શખ્સે આપેલી સિગારેટ કૃષ્ણાએ પીધી હતી. સિગારેટ પીધા બાદ કૃષ્ણા બેભાન થઈ ગયો હતો. આથી સ્થાનિક લોકો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં થોડા સમય પછી કૃષ્ણા ભાનમાં આવ્યો હતો. પરંતુ, જ્યારે તેણે બોલવાની કોશિશ કરી તો તે બોલી શક્યો નહોતો.
એક મહિના પહેલા જ કર્યા હતા પ્રેમલગ્ન
આથી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ ટીમનો કાફલો હોસ્પિટલ પહોંચી આવ્યો હતો. પોલીસને કૃષ્ણાની માતાએ જણાવ્યું કે, એક મહિના પહેલા જ કૃષ્ણાના એક યુવતી સાથે પ્રેમલગ્ન થયા હતા. યુવતી મુંબઈની છે. ત્યારે દીકરાએ પ્રેમલગ્ન કર્યા હોવાથી તેનો ખાર રાખી કોઈએ આવું કર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો કે, આ મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સિગારેટ આપનાર શખ્સની શોધખોળ આદરી છે.

