મેઘાલયના તુરામાં એક ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે મારી પાર્ટી માટે જનતાનો પ્રેમ અને સમર્થન જોઈને વિરોધ પક્ષો પરેશાન થઈ ચુક્યા છે. જેના કારણે તેઓ મારી કબર ખોદવાની વાત કરી રહ્યા છે. એ લોકોની ઊંઘ હરામ થઈ ચુકી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને ભાજપ પ્રત્યેનો તમારો આ પ્રેમ પસંદ નથી. તેની ઊંઘ ઊડી ગઈ છે. તેમણે ભરપૂર પ્રયાસ કર્યો હતો કે આ રેલી ન થાય પરંતુ મેઘાલય સાથે જોડાવા માટે, તુરાના લોકો સાથે જોડાવા માટે મોદીને કોઈ મેદાનની જરૂર નથી. મોદીને મેઘાલયની જનતાએ તેમના દિલમાં સ્થાન આપ્યું છે.
મેઘાલયમાં ભાજપ સરકાર એટલે રાજ્યનો ઝડપી વિકાસ – વડાપ્રધાન
પીએમ મોદીએ કહ્યું કે મેઘાલયમાં ભાજપની સરકાર હોવાનો અર્થ છે રાજ્યનો ઝડપી વિકાસ, મેઘાલયના દરેક ક્ષેત્રનો ભેદભાવ વિના વિકાસ. મેઘાલયમાં ભાજપ સરકારનો અર્થ છે બોમ્બ અને નાકાબંધી અને હિંસાથી આઝાદી. મેઘાલયમાં ભાજપની સરકાર એટલે દરેક ક્ષેત્ર અને સમાજને સમર્થન આપતી સરકાર. પીએમે કહ્યું કે મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કૌભાંડો અને ભ્રષ્ટાચારથી મુક્તિ. મેઘાલયમાં ભાજપ સરકાર એટલે ગરીબોને પાકાં મકાનો, વીજળી અને પાણી આપતી સરકાર. મેઘાલયમાં ભાજપની સરકાર એટલે એવી સરકાર જે અહીંની મહિલાઓ, બહેનો અને દીકરીઓની સમસ્યાઓને ઓછી કરશે.
કોંગ્રેસ પૂર્વોત્તરને એટીએમ સમજતી હતી – પીએમ મોદી
આ જનસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે અમે મેઘાલય સહિત સમગ્ર ઉત્તર-પૂર્વના વિકાસ માટે જૂની વિચારસરણી અને અભિગમ બદલ્યો છે. કોંગ્રેસની સરકારો આ ભાગને દેશનો છેલ્લો ભાગ માનતી હતી જ્યારે ભાજપ ઉત્તર-પૂર્વને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન માને છે. કોંગ્રેસને ચૂંટણી વખતે જ મેઘાલય યાદ આવતું હતું. તેઓ તમારા હકના પૈસા લૂંટતા હતા. કોંગ્રેસ પૂર્વોત્તર રાજ્યોને એટીએમ માનતી હતી.

