સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના સંદર્ભે તેનો પ્રાથમિક અહેવાલ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે મોરબીમાં પુલ તૂટ્યો તે પહેલા જ પુલ સાથે જોડાયેલા 22 વાયર તૂટી ગયા હતા. એસઆઈટીને તેની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે બ્રિજના નવીનીકરણના કામ દરમિયાન, જૂના સસ્પેન્ડર્સ (સ્ટિલના સળિયા જે કેબલને પ્લેટફોર્મ ડેક સાથે જોડે છે)ને નવા સસ્પેન્ડર્સ સાથે વેલ્ડિંગ કરવામાં આવ્યા હતા. જેની અસર સસ્પેન્ડર્સ પર પડી હતી. આવા પ્રકારના પુલ પર ભાર વહન કરવા માટે સિંગલ રોડ સસ્પેન્ડર્સ હોવા જોઈએ.
SIT દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેબલ પર લગભગ અડધા વાયર પર કાટ લાગવો અને જૂના સસ્પેન્ડર્સનું નવા સાથે વેલ્ડિંગ એ કેટલીક મોટી ખામીઓ હતી જેના કારણે દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) મચ્છુ નદી પરના બ્રિટિશ યુગના પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર હતી. એસઆઈટીએ તેના રિપોર્ટમાં પુલના સમારકામ, જાળવણી અને કામગીરીમાં ઘણી ક્ષતિઓ પણ શોધી કાઢી છે. આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ અને મુખ્ય ઈજનેર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના પ્રોફેસર એસઆઈટીના સભ્યો હતા.
એસઆઈટીને જાણવા મળ્યું કે 1887માં તત્કાલિન શાસકો દ્વારા બાંધવામાં આવેલા મચ્છુ નદી પરના પુલના બે મુખ્ય કેબલમાંથી એક કટાઈ ગયો હતો અને બની શકે છે કે તેના લગભગ અડધા વાયર 30 ઓક્ટોબરની સાંજે કેબલ તૂટયા પહેલા જ તૂટી ગયા હોય. એસઆઈટીના જણાવ્યા અનુસાર, નદીની ઉપરનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી.
નોંધનીય છે કે, મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મંજુરી વિના જ ઓરેવા ગ્રુપ (અજંતા મેન્યુફેકચરીંગ લિમિટેડ)ને બ્રિજની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તેણે માર્ચ 2022 માં પુલને નવીનીકરણ માટે બંધ કરી દીધો હતો અને 26 ઓક્ટોબરે તેને કોઈપણ નિરીક્ષણ વિના ફરીથી ખોલી દીધો હતો. એસઆઈટીના જણાવ્યા અનુસાર, તૂટી પડવાના સમયે પુલ પર લગભગ 300 લોકો હતા, જે સંખ્યા પુલની લોડ વહન ક્ષમતા કરતા ‘ઘણી વધારે’ હતી. જો કે, તેમણે ઉમેર્યું હતું કે બ્રિજની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.

