ડિજિટલ જમાનામાં એક પછી એક ચીજ વસ્તુઓ આસાન બની રહી છે ત્યારે લોકોને હરવા ફરવાના સ્થળો પર પણ નવી સુવિધા મળી રહી છે. અટલ બ્રિજની ટિકિટ માટે પણ તંત્ર દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. અટલ બ્રિજ પર જતા તમને પણ ઓનલાઈન ટિકિટનો લાભ મળશે. બુકીંગની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે અમદાવાદીઓ હવેથી ઘરે બેઠા અટલબ્રિજની ટિકિટ મેળવી શકે છે.
નાગરિકો તેમના ઘરેથી બ્રિજની સાથે તમામ રિવરફ્રન્ટ પાર્ક માટે ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ સિસ્ટમ દ્વારા અટલ બ્રિજ માટે એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. જેને નાગરિકો સ્કેન કરીને ઓનલાઈન ટિકિટ બુક કરી શકે છે.
કોમ્બો ટિકિટ બુક કરી શકે લોકો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટની સત્તાવાર વેબસાઇટ sabarmatiriverfront.com પર ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ પૂરી પાડી છે. નાગરિકો આ વેબસાઇટ પરથી અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને કોમ્બો ટિકિટ બુક કરી શકે છે. જોકે, ઓનલાઈન ટિકિટ બુકિંગ રાત્રે 8.30 વાગ્યા પછી બંધ થઈ જાય છે. નાગરિકો તેમના મોબાઈલ ફોન અને ઈ-મેલ દ્વારા પણ ઈ-ટિકિટ મેળવી શકે છે.
અટલ બ્રિજનો નજારો માણવા માટે
12 વર્ષ સુધીના બાળકો માટે 15 રૂપિયા,
12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂ.
તેમજ સિનિયર સિટીઝન માટે 15 રૂપિયા
ફી નક્કી કરવામાં આવી છે. અટલ બ્રિજ પર મોટી સંખ્યામાં દિવાળીના વેકેશનમાં લોકો આવી શકે છે. જેથી સંખ્યાનો આંક ઘણો વઘવાની શક્યતા છે. માટે લોકો એડવાન્સમાં બુકિંગ કરાવી શકે છે. જો કે, દિવાળી આસપાસના સમયગાળામાં આ સુવિધા શરુ થાય તેવી શક્યતાઓ છે.

