ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાને પગલે આમ આદમી પાર્ટીની યુવા પાંખે બુધવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પંચાયત બોર્ડમાં આવેદન પત્ર આપ્યું હતું. જણાવી દઈએ કે તાજેતરમાં પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના બનતા 9.53 લાખ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
પરીક્ષા શરૂ થાય તે પહેલા પેપરલીક થયું
ઉલ્લેખનીય છે કે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ એટીએસ દ્વારા પેપરલીક થયાનો ધડાકો કરાતા સરકાર દ્વારા ત્વરિત ધોરણે પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કારણે રાજ્યભરમાંથી દૂર-દૂરથી આવેલા ઉમેદવારોને ભારે હાલાકી વેઠવી પડી હતી. જોકે સરકાર દ્વારા ઉમેદવારોને મફતમાં એસ.ટી. બસ દ્વારા ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પેપરલીકના કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દોષિતોને સજા કરવા માગ કરાઈ
રાજ્યમાં વારંવાર પેપરલીક થયાની ઘટનાને પગલે રાજનીતિ પણ ગરમાઈ છે. પેપરલીક મુદ્દે રાજ્યની બીજેપી સરકારને ઘેરવા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા હાથમાં બેનરો લઈ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા. સાથે દોષિતોને કડક સજા કરવા માગ કરાઈ હતી અને પંચાયત બોર્ડમાં આવેદન પત્ર આપાયું હતું.

