ભારતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને આમંત્રણ મોકલ્યું છે. પરંતુ પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. હિના રબ્બાનીએ કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી. હિના રબ્બાની ખારનું આ નિવેદન મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન
પાકિસ્તાનની સંસદમાં સેનેટના સત્ર દરમિયાન હિના રબ્બાનીએ કહ્યું, “જ્યારથી શાહબાઝ શરીફની સરકાર પાકિસ્તાનમાં આવી ત્યારથી ભારત સાથે કોઈ બેકચેનલ વાતચીત થઈ નથી. મારું માનવું છે કે અગાઉની સરકારો દરમિયાન આવું થયું હશે. તમે વાત કોઈ બીજી કરો અને પાછળ કશું બીજું કરો, આ કોઈ પણ દેશને શોભા નથી આપતું.” તેમણે આગળ કહ્યું, “જો બેકચેનલ ડિપ્લોમસીથી કોઈ ફાયદો થતો હોય તો તે જરૂર થવી જોઈએ… પરંતુ આ સમયે કોઈ પ્રકારની બેકચેનલ ડિપ્લોમસી નથી થઈ રહી.” તેમનું નિવેદન ભારતે પાકિસ્તાનના શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનને આમંત્રણ મોકલ્યાના એક દિવસ બાદ આવ્યું છે.
ભારતના આમંત્રણ પર પાકિસ્તાનના જવાબની રાહ
ભારતે ઈસ્લામાબાદમાં તેના હાઈ કમિશન દ્વારા પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલને ગોવામાં SCO સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ સંમેલન મે મહિનામાં યોજાવાનું છે. આ આમંત્રણો નિર્ધારિત પ્રક્રિયા મુજબ મોકલવામાં આવ્યા છે પરંતુ શાહબાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો કોન્ફરન્સમાં ભાગ લેશે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. જો કે, પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું છે કે ભારતના આમંત્રણની સમીક્ષા કરવામાં આવી રહી છે અને પરામર્શ પછી નિર્ણય લેવામાં આવશે.
હિના રબ્બાની 2011માં આવ્યા હતા ભારતની મુલાકાતે
તમને જણાવી દઈએ કે જો પાકિસ્તાનના વડાપ્રધાન અથવા વિદેશ મંત્રી આ બેઠકમાં રૂબરૂ હાજરી આપવાનું નક્કી કરે છે, તો 2011 પછી ઈસ્લામાબાદ તરફથી ભારતની આ પહેલી મુલાકાત હશે. આ પહેલા પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર 2011માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
પાકિસ્તાનને ભારતનું આ આમંત્રણ ખૂબ જ ખાસ
આ પછી ફેબ્રુઆરી 2019માં પુલવામા આતંકી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. ઓગસ્ટ 2019 માં, ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી, ત્યારબાદ બંને દેશો વચ્ચે વાતચીત અને વેપાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો. ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોમાં અત્યાર સુધીના સૌથી નીચા સ્તરને જોતા પાકિસ્તાનને આપવામાં આવેલું ભારતનું આ આમંત્રણ ખૂબ જ ખાસ છે.

