દેશના મોટા શહેરો બાદ હવે રાજકોટમાં પણ પ્રેન્કના દુષણની એન્ટ્રી થઇ છે. જેમાં કારમાં લિફ્ટ આપવાના બહાને ગ્રામ્ય વિસ્તારના લોકોને ડરાવી- ધમકાવી સિતમ ગુજારવામાં આવે છે. બાદમાં પ્રેન્કનું નામ આપીને તેને જવા દેવામાં આવે છે.
જો કે આ મામલાઓ પોલીસ મથક સુધી પહોંચતા ન હોય પ્રેન્ક કરનાર યુટ્યૂબર્સ ફૂલ્યા ફાલ્યા છે.
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં વ્યુ મેળવી સ્ટાર બનવાની હોડ જામી છે. આના માટે સ્ટાર બનવાની ઘેલછા ધરાવતા તત્વો ગમે તે કરવા તૈયાર હોય છે. જો કે પોતાની જાત ઉપર જ જોખમ લઈને અખતરા કરીને સોશિયલ મીડિયામાં છવાઈ રહેવું તે સમાજ માટે જરા પણ નુકસાનકારક નથી. પણ અન્ય નિર્દોષ લોકોને પોતાના વીડિયોમાં સામેલ રાખી તેને અજાણ જ રાખીને તેના ઉપર સિતમ ગુજારીને સ્ટાર બનવાના અભરખા રાખવા ખરેખર ગંભીર ગુનાથી કમ નથી. આવા પ્રેન્ક કરવાવાળા તત્વોનું પ્રમાણ રાજકોટમાં વધી રહ્યું છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વ્યુ મેળવવા માટે થતા પ્રેન્કથી રાજકોટ સુરક્ષિત હતું. પણ છેલ્લા મહિનાઓમાં હવે પ્રેન્કનું દુષણ રાજકોટમાં વધી રહ્યું છે.
અમુક નબીરાઓ યુટ્યૂબર બની સોશિયલ મીડિયામાં પોતાની મહત્વકાંક્ષાઓ સાબિત કરવા આ રસ્તે આગળ વધી રહ્યા છે. તેઓ રાજકોટની ભાગોળે પોતાની કાર લઈને જાય છે અને ગ્રામ્ય વિસ્તારના અશિક્ષિત લાગતા હોય તેવા આધેડવયના લોકોને એડ્રેસ પૂછવા સહિતના બહાને બોલાવતા હોય છે. આ વ્યક્તિ સામેથી લિફ્ટ માંગે તે માટે તેને પ્રેરવામાં આવે છે. બાદમાં લિફ્ટ આપવાના બહાને વ્યક્તિને કારમાં બેસાડવામાં આવે છે. આ દરમિયાન અગાઉથી જ યુટ્યૂબર દ્વારા કારમાં એક કેમરો મુકેલો હોય છે તેમાં સમગ્ર ઘટના રેકોર્ડ થાય છે.
કોઈ વ્યક્તિ લિફ્ટ મેળવીને કારમાં બેસે એટલે તેને સીટ બેલ્ટ બંધાવવામાં આવે છે. બાદમાં ધીમે ધીમે કરીને તેની પજવણી શરૂ કરી દેવામાં આવે છે. બાદમાં ડરાવવાનું ધમકાવવાનું આ બધુ જ કરીને વ્યક્તિને સતાવવામાં આવે છે. જ્યાં સુધી લિફ્ટ લેનાર વ્યક્તિ ચાલુ કારમાંથી કૂદી જવાની તૈયારી ન દાખવે ત્યાં સુધી તેના ઉપર સિતમ ગુજારવામાં આવે છે.
આ ઉપરાંત ઘણા લિફ્ટ લેનાર લોકો તો હિંમત હારી જઈ પોક મૂકીને રડવા પણ લાગે છે. લિફ્ટ લેનાર વ્યક્તિની સહનશીલતાનો અંત ન આવે ત્યાં સુધી યુટ્યૂબર તેને પજવીને મજા લેતો હોય છે. બાદમાં તે પ્રેન્ક હોવાનું કહી દયે છે સામે મુસીબતમાંથી છૂટેલો વ્યક્તિ પોતે સુરક્ષિત હોવાની ખુશીમાં એ ભૂલી જાય છે કે તે ભોગ બનનાર છે. તેની ખોટી રીતે પજવણી કરવામાં આવી હતી. બસ તે મુસીબતમાંથી છૂટી ગયો તેવું વિચારી લ્યે છે મોટાભાગના ભોગ બનનાર લોકો ગ્રામ્ય વિસ્તારના અને ઓછા શિક્ષિત હોય છે એટલે મામલો પોલીસ મથક સુધી પહોંચતો નથી.

