અરવલ્લી જીલ્લા સહીત સમગ્ર પંથકમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ખ્યાતનામ મોડાસા શહેરની સાર્વજનિક હોસ્પિટલમાં નવજાત બાળક બદલાઈ ગયું હોવાની ઘટના બની હોવાનો આક્ષેપ થતા ભારે હોબાળો મચી ગયો હતો.
મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં માલપુર તાલુકાના રામપુર ગામના તારાબેન જગાભાઈ તરાર નામની મહિલાને નવ દિવસ અગાઉ પ્રસુતાની પીડા ઉપડતા ડીલેવરી માટે લાવવામાં આવી હતી. મધ્યરાત્રિએ મહિલાએ બાળકને જન્મ આપતા દીકરાનો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ બાળકને પેટીમાં મુકવાનું હોસ્પિટલ તરફથી જણાવાયું હતું. બાળકને પેટીમાં મુક્યા બાદ મંગળવારે પેટીમાંથી બહાર કાઢીને પરિવારના હાથમાં દિકરાના બદલે દીકરી આપતા બાળકના માતા-પિતા પણ ચોંકી ઉઠ્યા હતા.
બાળક બદલવામાં આવ્યું હોવાનો આક્ષેપ હોસ્પિટલ સામે કર્યો હતો. મહિલાના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા અને હોસ્પીટલમાં બાળક બદલી નાખવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ મૂકી હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાના પગલે સાર્વજનીક હોસ્પિટલના સત્તાધીશો અને તબીબો હોસ્પિટલ પહોંચી પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પરિવારજનોમાં આ બેદરકારી મામલે વધુ આક્રોશ ઉભો થયો હતો. છેવટે તાબડતોડ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
તો બીજી બાજુ હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી ગાયનેક તબીબ તરીકે ફરજ બજાવતા મેહુલ પટેલે જણાવ્યું હતું કે, તારાબેન જગાભાઈ તરાર નામની મહિલાએ 9 જાન્યુઆરીની રાત્રે 1 વાગે ડીલેવરી થઇ હતી તેમાં બાળકીનો જન્મ થયો હતો અને 35 મિનિટ્સ પછી અન્ય એક મહિલાની ડીલેવરી થઇ હતી તેને પણ દીકરીને જન્મ આપ્યો હતો એટલે બાળક બદલાઈ જવાનો આક્ષેપ વ્યાજબી નથી અને છતાં પણ તેમને કોઈ શંકા હોય તો યોગ્ય કાર્યવાહી કરી શકે છે.
સમગ્ર ઘટનાને લઇને મોડી રાત્રે પોલિસ,પીડિત પરિવાર અને તબીબો ઉમટી પડ્યા હતા, ત્યારે સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએની દેખરેખ હેઠળ સીસીટીવી કેમેરા ચેક કરતા આખરે મામલો થાડે પડ્યો હતો.

