ભારતીય-અમેરિકન વકીલ જનાની રામચંદ્રન કેલિફોર્નિયા રાજ્યમાં ઓકલેન્ડ સિટી કાઉન્સિલના સભ્ય બન્યા છે. ઓકલેન્ડ સિટી કાઉન્સિલના ડિસ્ટ્રિક્ટ 4માંથી ચૂંટાયેલી તે સૌથી નાની વયની પ્રથમ લેસ્બિયન મહિલા છે.
રામચંદ્રને મંગળવારે 10 જાન્યુઆરીએ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં ઓકલેન્ડ સિટી કાઉન્સિલના ડિસ્ટ્રિક્ટ 4 ના સભ્ય તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન તે સાડી પહેરેલી જોવા મળી હતી.
રામચંદ્રને આભાર વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, “અમે જીતી ગયા. ડિસ્ટ્રિક્ટ 4 માંથી આગામી સિટી કાઉન્સિલ સભ્ય બનવા પર પોતાને સન્માનિત અનુભવી રહી છું. હું અધિકૃત રીતે ઓકલેન્ડના ઇતિહાસમાં સૌથી યુવા કાઉન્સિલ સભ્ય બનીશ. આ સાથે ઓકલેન્ડ સિટી કાઉન્સિલમાં સેવા આપવાવાળી પ્રથમ LGBTQ અને પ્રથમ દક્ષિણ એશિયાઈ બનીને ઇતિહાસ રચીશ. ટીમ જનાનીનો આભાર.”
અન્ય એક ટ્વીટમાં તેણીએ લખ્યું, “હું તે તમામ લોકોની અત્યંત આભારી છું જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને અમારા આંદોલનને બનાવવામાં મદદ કરી. શપથ લેતા સમયે મારા પ્રિયજનોનો સાથ મેળવીને હું સન્માનિત અનુભવી રહી છું.” રામચંદ્રન પોતાને દક્ષિણ ભારતના એક નાનકડા ગામડાના વસાહતીઓની દીકરી ગણાવે છે.
તેમની સત્તાવાર વેબસાઇટ અનુસાર, રામચંદ્રન હાલમાં કેલિફોર્નિયા કમિશનમાં કાર્યરત છે, જ્યાં તે એશિયન અને પેસિફિક આઇલેન્ડર અમેરિકન અફેર્સ વિભાગમાં કામ કરે છે. આ પહેલા તે ઓકલેન્ડ સિટી પબ્લિક એથિક્સ કમિશનમાં કમિશનર તરીકે સેવા આપી ચુકી છે.
તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં અને ઘણી કાનૂની બિન-લાભકારી સંસ્થાઓમાં કામ કર્યું છે. વેબસાઇટ અનુસાર, તે 2021ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પણ ઉમેદવાર હતી.

