દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભીષણ અકસ્માત, ઊભેલા ટ્રકમાં ઘૂસી ઇલેક્ટ્રિક કાર, બાળક અને મહિલાનું કરુણ મોત
ગુજરાતમાં વડોદરા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાદરા નજીક સર્જાયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં એક બાળક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસથી રોડની બાજુમાં ઊભેલા ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી વિન્ડસર ઇલેક્ટ્રિક કાર ઘૂસી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં નાના બાળકો સહિત છથી સાત લોકો સવાર હોવાની માહિતી સામે આવી છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.
ફાઈર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતના સમાચાર મળતા જ ફાઈર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવકર્મીઓએ ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. બે દિવસથી રસ્તા પર ઊભેલા ટ્રકને કારણે થયેલા આ અકસ્માતે એકવાર ફરી હાઈવે પર સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખની જરૂરિયાતને ઉજાગર કરી છે.
- Advertisement -
- Advertisement -