29.3 C
Ahmedabad
Saturday, October 17, 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’નો સમાપન સમારોહ સંપન્ન


સેન્ટીનલ હેકાથોન 2026 થકી AI અને CCTV ઇન્ટિગ્રેશન દ્વારા સ્માર્ટ પોલિસિંગની દિશામાં ગુજરાત પોલીસનું ઐતિહાસિક કદમ

ફેઝ-1ની સ્પર્ધાઓમાં લાઇવ CCTV ફીડ્સ પર ટેકનોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવી વિજેતા બનેલી ટીમોએ મેળવ્યા રૂ.18 લાખના પુરસ્કારો

AI અને સોફ્ટવેર ઇન્ટિગ્રેશનથી પોલીસના ‘હ્યુમન અવર્સ’ બચાવી સ્માર્ટ પોલિસિંગ સુનિશ્ચિત કરી શકાશે :- નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં i-Hub અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’(સેન્ટીનલ હેકાથોન 2026)નો સમાપન સમારોહ યોજાયો હતો.

રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ, સચોટ અને સ્માર્ટ બનાવવાના ઉદ્દેશથી યોજાયેલી આ હેકાથોનમાં દેશભરમાંથી ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ અને સંશોધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન તજજ્ઞ જ્યુરી પેનલ દ્વારા વિવિધ ટીમોના પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, પીચિંગ અને મૂલ્યાંકન (Jury Evaluation & Reconciliation)ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

દેશમાં સર્વપ્રથમ વખત સ્પર્ધકોએ લાઇવ CCTV કેમેરા ફીડ્સ પર રિયલ-ટાઇમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વ્હીકલ ટ્રેકિંગ અને વોચલિસ્ટ મેચિંગ જેવા વાસ્તવિક પબ્લિક સેફ્ટી સોલ્યુશન્સનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ફેઝ-1ની અલગ અલગ ત્રણ કેટેગરીની વિજેતા ટીમોને તથા પ્રોત્સાહક ઇનામો મળીને કુલ રૂ.18 લાખના રોકડ પુરસ્કારો આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ફેઝ 1 અને ફેઝ 2 મળીને સ્પર્ધકો કુલ 51 લાખની ઈનામી રકમ જીતી શકશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત ઇનોવેટર્સ, ટેકનોલોજી નિષ્ણાતો અને પોલીસ પરિવારને સંબોધતા જણાવ્યું હતું કે, આ ઇનોવેશન ચેલેન્જ એ માત્ર આઈ.ટી. કે ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું કે કેવળ ક્રાઇમ ડિટેક્શન માટેનું આયોજન નથી, પરંતુ AI અને આધુનિક સોફ્ટવેર ઇન્ટિગ્રેશનના માધ્યમથી ગુજરાત પોલીસના હજારો કોન્સ્ટેબલ્સ અને અધિકારીઓના ‘હ્યુમન અવર્સ’ (કાર્યના કલાકો) બચાવીને તેમની તથા તેમના પરિવારની સોશિયલ લાઈફને ઉત્કૃષ્ટ બનાવવાનો એક અત્યંત માનવીય અભિગમ છે. આ ચેલેન્જ માટે દેશભરમાંથી 3,100થી વધુ રજિસ્ટ્રેશન અને 1,000થી વધુ ઇનોવેટિવ સોલ્યુશન્સ પ્રાપ્ત થયા છે, જે રાષ્ટ્ર નિર્માણ અને સુરક્ષા ક્ષેત્રે દેશની યુવાશક્તિનો અદભુત ઉત્સાહ દર્શાવે છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અસરકારક ઉપયોગ કરીને સ્માર્ટ પોલિસિંગ સુનિશ્ચિત કરી શકાશે. સીસીટીવી કેમેરા ઇન્ટિગ્રેશન અને AI ટેકનોલોજી સોલ્યુશન્સ વિકસાવનારા યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે ભવિષ્યમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના રાજ્યોમાં વિશાળ બિઝનેસ ઓપર્ચ્યુનિટીઝ ઊભી થશે. યુવા ઇનોવેટર્સને કન્સેપ્ટથી લઈને એક્ઝિક્યુશન સુધીના તમામ તબક્કે પૂરો સપોર્ટ આપવા અને રિયલ-ટાઇમ ડેટા સાથે કામ કરવા માટે સુવિધા પૂરી પાડવા પોલીસ વિભાગ પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિકસાવવામાં આવેલ આધુનિક ડિજિટલ પ્રકલ્પોની પ્રશંસા કરીને સમગ્ર દેશમાં આ પ્રકલ્પ નવી દિશા ચિંધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમારે ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ’ અને આઈ-હબ (i-Hub) ના માધ્યમથી રાજ્યના યુવા ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પબ્લિક સેફ્ટી, ક્રાઈમ પ્રિવેન્શન, ડિટેક્શન અને ટ્રાફિક મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગથી પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં મોટો અને સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આઈ-હબ દ્વારા 700થી વધુ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન, લીગલ અને ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડીને ‘માઇન્ડ ટુ માર્કેટ’ના મંત્રને સાકાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે આ પ્રકારની લાઈવ હેકાથોન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવીને સ્માર્ટ પોલિસિંગના અમલીકરણમાં માઇલસ્ટોન સાબિત થશે.

મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ અને ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી સંજીવ કુમારે* ગુજરાત પોલીસની ‘સેન્ટીનલ હેકાથોન’ જેવી નવીન પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, ટેક-ડ્રાઇવ પોલિસિંગ તરફનું આ એક અત્યંત મહત્વપૂર્ણ કદમ છે અને આ પ્રકારનું આયોજન ગૃહ વિભાગ માટે ગર્વની ક્ષણ છે. રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા લગાવાયેલા સીસીટીવી કેમેરાઓને એક જ સિંગલ પ્લેટફોર્મ પર લાવી, ઉપલબ્ધ ડેટાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને વધુ સક્ષમ અને પરિણામલક્ષી આઉટકમ મેળવવાનો આ નવતર પ્રયોગ છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ હેકાથોન દ્વારા દેશના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને એક ઉત્કૃષ્ટ મંચ મળ્યું છે. આઈ-હબ ખાતે યોજાયેલ આ પ્રકલ્પ સ્માર્ટ અને ફ્યુચર-રેડી સુરક્ષા ઇકોસિસ્ટમના નિર્માણમાં માઇલસ્ટોન સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને તેમણે આ સહયોગ બદલ શિક્ષણ વિભાગનો આભાર માન્યો હતો.

 આ પ્રસંગે રાજ્ય પોલીસવડા શ્રી જી.એસ. મલિકે સ્વાગત પ્રવચન કરતા પોલિસિંગમાં આધુનિક ટેકનોલોજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના સીસીટીવી નેટવર્ક અને કેમેરાઓને ઇન્ટિગ્રેટ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા વિડિયો એનાલિટિક્સના ઉપયોગથી ગુના બનતા અટકાવી શકાય છે, શંકાસ્પદ વ્યક્તિઓની તાત્કાલિક ઓળખ કરી શકાય છે અને રિયલ-ટાઇમ એલર્ટ મેળવી શકાય છે. ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ નવીન ટેકનોલોજી અપનાવવામાં હંમેશા અગ્રેસર રહી છે, ત્યારે આ હેકાથોન મારફતે મળનાર AI અને ટેકનોલોજીકલ સોલ્યુશન્સ સ્માર્ટ, સક્ષમ અને પ્રો-એક્ટિવ પોલિસિંગને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિકસાવવામાં આવેલ દેશના પ્રથમ UIDAI માન્યતા પ્રાપ્ત કન્સેન્ટ-બેઝ્ડ ડિજિટલ આઇડેન્ટિટી વેરિફિકેશન સિસ્ટમ ‘પ્રતિ રક્ષા’ (Prati Raksha) તેમજ ‘પથિક 2.0’ (Pathik 2.0) નામના અત્યાધુનિક ડિજિટલ પ્રકલ્પો મહાનુભાવોના હસ્તે શરૂ કરાવવામાં આવ્યા હતા. આ સિસ્ટમ દ્વારા રિયલ-ટાઇમ ક્યુઆર કોડ અને ફેસ વેરિફિકેશન વડે હોટેલ્સ, પીજી, ફેક્ટરીઓ તથા કારખાનાઓના કર્મચારીઓની ઓળખ સચોટ રીતે તથા પેપરલેસ અને ગોપનીયતાના પૂર્ણ પાલન સાથે ચકાસી શકાશે.

આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, પોલીસ વિભાગ અને i-Hubના પદાધિકારીઓ, અધિકારીઓ, જ્યુરી સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -