જોમેટો: ગ્રાહકોએ કેશ પેમેન્ટ પર ચૂકવવો પડશે 20 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ
ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ જોમેટો (Zomato) ‘કેશ ઓન ડિલિવરી’ (Cash on Delivery) એટલે કે ડિલિવરી સમયે રોકડ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરનાર ગ્રાહકો પાસેથી પાંચથી 20 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ વસૂલશે. આ નવો ચાર્જ એપના બિલ વિગતોમાં ‘પે ઓન ડિલિવરી ફી’ (‘Pay on Delivery Fee’)ના નામે અલગથી જોડવામાં આવ્યો છે. જોકે, જે ગ્રાહકો UPI અને અન્ય પદ્ધતિઓ દ્વારા ઓનલાઈન ચૂકવણી કરશે તેમના પર આ વધારાનો ચાર્જ લાગુ પડશે નહીં.
જોમેટોએ જણાવ્યું કે તેના બિલમાં હવે પે ઓન ડિલિવરી ફી નામે એક અલગ ચાર્જ દેખાશે. આ ફી એવા ગ્રાહકો પર લાગુ થાય છે, જે ફૂડ સપ્લાયના સમયે ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કરે છે. આ ફી તમામ ઓર્ડર માટે સમાન નથી. અલગ-અલગ યુઝર્સ અને ઓર્ડરની રકમના આધારે આ ફી પણ અલગ જોવા મળશે. કંપનીએ હજુ સુધી આ ફી નક્કી કરવાનું કોઈ ચોક્કસ સૂત્ર જણાવ્યુ નથી. હાલમાં આ ફી ઓર્ડરની રકમ, ગ્રાહકનું સ્થાન અથવા અન્ય કોઈ ધોરણ સાથે જોડાયેલી છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફી નક્કી કરવાનો ચોક્કસ આધાર શું છે અને શું તે ઓર્ડરની વેલ્યુ, લોકેશન કે બીજા પેરામીટર્સ જેવા ફેક્ટર્સ સાથે જોડાયેલો છે, તેની તરત ખબર પડી શકી નથી. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે.જ્યારે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ અલગ-અલગ ફી સ્ટ્રક્ચર અને મોનેટાઈઝેશન મોડેલ્સ સાથે પ્રયોગ કરી રહ્યા છે.
કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર્સ પરની નવી ફી ઉપરાંત, જોમેટો પ્લેટફોર્મ પહેલેથી જ ફૂડ ઓર્ડર્સ પર પ્લેટફોર્મ ફી વસૂલે છે. આ સાથે જ ઓર્ડરના આધારે ડિલિવરી, પેકેજિંગ અને અન્ય ચાર્જ પણ લાગુ થાય છે. જોમેટોની હરીફ કંપની સ્વિગી (Swiggy) હાલમાં કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર્સ પર કોઈ અલગ ફી વસૂલી રહી નથી.
- Advertisement -
- Advertisement -