દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ રાકેશ મહેતાએ નોઈડાના ફ્લેટમાં કરી આત્મહત્યા,ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ
દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ અને 1975 બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી રાકેશ મહેતાએ નોઈડાના સેક્ટર-82 સ્થિત કેન્દ્રીય વિહાર-૨ સોસાયટીમાં પોતાના ફ્લેટમાં કથિત રીતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. 75 વર્ષીય રાકેશ મહેતાનો મૃતદેહ રવિવાર,6 સપ્ટેમ્બરે શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. ડાયલ-112 પર માહિતી મળ્યા બાદ ફેસ-2 પોલીસ સ્ટેશનનો કાફલો ફોરેન્સિક અને ફિલ્ડ યુનિટની ટીમ સાથે ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પુરાવા એકત્ર કર્યા હતા.
પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં માનસિક તણાવ અને બીમારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે પંચનામું અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો, ત્યારબાદ સોમવારે દિલ્હીના લોધી સ્મ્શાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ આત્મહત્યા પાછળની પરિસ્થિતિ અને તમામ પહેલુઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
વર્ષ 2007 થી 2010 સુધી દિલ્હીના મુખ્ય સચિવ રહેલા રાકેશ મહેતાએ વર્ષ 2010ના કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન વહીવટી સ્તરે મહત્વની ભૂમિકા ભજવી હતી. દિલ્હી સરકારમાં પાવર સેક્રેટરી તરીકે તેમણે ખાનગીકરણ વખતે વીજ સુધારણા અને રસ્તાઓ પરથી બ્લુ લાઈન બસો હટાવી લો-ફ્લોર બસો શરૂ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. વરિષ્ઠ અધિકારીના આકસ્મિક અવસાનથી વહીવટી અને રાજકીય વર્તુળોમાં ઘેરા શોકની લહેર છવાઈ ગઈ છે.
- Advertisement -
- Advertisement -