27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

કુબેરનગર ITI ખાતેથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે રાજ્યની સરકારી ITI માટે ‘ગણવેશ સહાય યોજના’નો પ્રારંભ


શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના તાલીમાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો’ ભવ્ય શુભારંભ કાર્યક્રમ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા તથા ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યની 289 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ના તાલીમાર્થીઓ માટે કુબેરનગર ITI ખાતેથી ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માત્ર એકરૂપતા લાવવાનો નથી, પરંતુ તેમનામાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને એક આગવી ઓળખ ઊભી કરવાનો છે. ITI માં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી રહેલા યુવાનોનું વ્યક્તિત્વ ખીલે અને તેઓ ગૌરવ સાથે આગળ વધે તે રાજ્ય સરકારની નેમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ યોજના અન્વયે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આશરે રૂ. 30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના અંદાજે 1.5 લાખ તાલીમાર્થીઓને વર્ષમાં બે જોડી ગણવેશ પેટે પ્રત્યેક વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT મારફતે સીધા રૂ. 2,000 જમા કરાવવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ રાજ્યમાં સ્કીલ એજ્યુકેશનના ક્ષેત્રમાં આવેલા સકારાત્મક પરિવર્તનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આજે ITI માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને આ વર્ષે 90 થી 95 ટકા જેટલી બેઠકો ભરાઈ ચૂકી છે. આધુનિક સમયની માંગ મુજબના અભ્યાસક્રમો વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી (KSU) ખાતે કાર્યરત એડવાન્સ્ડ ડ્રોન ટેકનોલોજીની તાલીમ લઈ રહેલા 35 જેટલા વિદ્યાર્થીઓમાંથી લગભગ 50 ટકા વિદ્યાર્થીઓ માત્ર ITI બેકગ્રાઉન્ડ ધરાવે છે.

રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતની ITI સંસ્થાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે, જેથી આપણા યુવાનો માત્ર રાજ્ય કે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જઈને રોજગારી મેળવી શકે અને પોતાની સ્કીલ ડેવલપ કરી શકે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. પાયલ કૂકરાણીએ યુવાનોને પ્રોત્સાહિત કરતા તાજેતરના રોજગાર મેળાઓની સફળતા વર્ણવી કહ્યું કે, અગાઉ ITI માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ આજે ઇન્ટરવ્યુઅર તરીકે પાછા ફરી રહ્યા છે. તેમણે આજના ‘જનરેશન ઝેડ’ (Gen Z) યુવાનોને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના 23 વર્ષની વયના ઐતિહાસિક બલિદાનનું સ્મરણ કરાવીને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

નોંધનીય છે કે, રાજ્યની ITI માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ પ્રથમ વર્ષે રૂ. 15,000 અને બીજા વર્ષે રૂ. 9,000 એમ કુલ રૂ. 24,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ITI કેન્દ્રો સુધી પહોંચવામાં સરળતા રહે તે હેતુથી રૂ. 3,000 ની મુસાફરી સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તાલીમાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા ‘વિશ્વકર્મા કૌશલ્ય સ્પર્ધા’ અંતર્ગત વિજેતાઓને જિલ્લા કક્ષાએ રૂ. 7,000, પ્રાદેશિક કક્ષાએ રૂ. 25,000 અને રાજ્ય કક્ષાએ રૂ. 50,000ના રોકડ પુરસ્કારો પણ એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રોજગાર અને તાલીમ નિયામક શ્રી એ. કે. વસ્તાણી, અધિક નિયામક નીલાંજલા રાજપૂત, ITI ના પ્રિન્સિપાલ નિરવભાઈ દેસાઈ, કોર્પોરેટર સન્નીભાઈ ખાનચંદાની, શ્રીમતી મંજુલાબહેન ઠાકુર, કમલેશભાઈ પટેલ સહિત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજ્યની તમામ ITI ના તાલીમાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -