હાથશાળ-હસ્તકલા પુરસ્કાર 2025ની જાહેરાત: 11રાજ્ય કક્ષા અને 4 ઝોન વાઇઝ એમ કુલ 15 એવોર્ડ એનાયત થશે
ગુજરાત સરકારની કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૧૬ હેઠળ રાજ્યના હાથશાળ અને હસ્તકલા ક્ષેત્રના કારીગરોને પ્રોત્સાહિત કરવાના આશયથી વર્ષ ૨૦૨૫ માટેના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ઉત્કૃષ્ટ કલાત્મક કામગીરી કરનાર કુલ ૧૫ કારીગરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ૧૧ કારીગરોને રાજ્ય કક્ષાના અને ૦૪ કારીગરોને ઝોન વાઇઝ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યા અનુસાર હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા અને યુવા કારીગરો સહિત ઔધોગિક સહકારી મંડળીઓ, એન.જી.ઓ. તથા વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિગત કારીગરોને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા વર્ષ-૨૦૨૫ દરમિયાન વિવિધ શ્રેણી જેવી કે ટેક્ષટાઇલ, ભરતકામ, મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડું તથા વાંસકામ/મેટલ ક્રાફ્ટ, અન્ય ક્રાફ્ટ, મહિલા, યુવા કારીગર, લુપ્ત થતી કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવેલા કારીગરો પૈકી ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે હાથવણાટ ક્રાફટના સ્ટોલ નમૂના માટે કચ્છના શ્રી સુનીલ દિનેશ મંગરિયાને પ્રથમ પારિતોષિક મળશે. ડબલ ઇક્કત પટોળા ક્રાફટના દુપટ્ટા માટે પાટણના શ્રી સુનીલકુમાર વીરૂપ્રસાદ સોનીને દ્વિતીય પારિતોષિક આપવામાં આવશે. ભરતકામ સેક્ટરમાં એપ્લીકવર્ક ક્રાફટના વોલપીસ માટે બનાસકાંઠાના શ્રી આનંદબા જેસુભા ચૌહાણને પ્રથમ પારિતોષિક અને કચ્છી એમ્બ્રોઇડરી ક્રાફટના વોલપીસ માટે કચ્છના શ્રી પ્રિયા મંગલ સંજોટને દ્વિતીય પારિતોષિક આપવામાં આવશે.
આ ઉપરાંત મોતીકામ/ચર્મકામ/અર્થન/લાકડુ તથા વાંસકામ/મેટલ ક્રાફટ ક્ષેત્રે મડમીરર વર્ક ક્રાફટના ‘સર્જન ધ ક્રીએશન’ નમૂના માટે કચ્છના શ્રી પુજા નવીનભાઈ ચૌહાણને પ્રથમ પારિતોષિક અને બીડવર્ક ક્રાફટના ‘મારૂ ગામ’ નમૂના માટે ભાવનગરના શ્રી કોમલબેન મનીષભાઈ દીયોરાને દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થશે. તેવી જ રીતે અન્ય ક્રાફટ સેક્ટરમાં કલમકારી ક્રાફટના ‘માતાની પછેડી પાવાની દેવી’ નમૂના માટે અમદાવાદના શ્રી અશોકભાઇ કંચનભાઈ ચિતારાને પ્રથમ પારિતોષિક તેમજ પેપરમશી ક્રાફટના ‘સીદી સૈયદની જાળી’ નમૂના માટે અમદાવાદના શ્રી મુકેશભાઇ શંકરભાઇ પંડયાને દ્વિતીય પારિતોષિક આપવામાં આવશે.
મહિલા કેટેગરીમાં મશરૂ વણાટ ક્રાફટના સ્ટોલ માટે કચ્છના શ્રી પુજા શંકર ધોરીયા તથા યુવા કારીગર કેટેગરીમાં લુડીયા વુડ કાર્વિગ ક્રાફટના ‘હાથકોતરણી ઝરૂખો’ નમૂના માટે કચ્છના શ્રી વિજય જેમલ મારવાડા તેમજ લુપ્ત થતી કલા કેટેગરીમાં ટાંગલીયા ક્રાફટની ‘કચ્છી ટાંગલીયા શાલ’ માટે કચ્છના શ્રી જીતેન્દ્ર મગનભાઇ ધૈયડાની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૫ માટે હાથશાળ-હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા કુલ ૦૪ અલગ-અલગ ઝોનવાઈઝ કેટેગરીમાં પ્રથમ પારિતોષિક માટે કારીગરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ઝોનમાં સુફ ભરત ક્રાફટના ‘સુફ ભરત શર્ટ’ નમૂના માટે બનાસકાંઠાના શ્રી ચંદ્રાબેન સગાળાભાઈ ડોહટ, મધ્ય ઝોનમાં કલમકારી ક્રાફટના ‘માતાની પછેડી દેવીના અવતાર’ નમૂના માટે અમદાવાદના શ્રી રોહન જયંતીભાઇ ચિતારા, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં રોગાન આર્ટ ક્રાફટના ‘ટ્રી ઓફ લાઇફ’ નમૂના માટે કચ્છના શ્રી અબ્દુલહમીદ આરબ ખત્રી તેમજ દક્ષિણ ઝોનમાં આ કેટેગરીમાં એમ્બ્રોઇડરી-જરી જરદોશી ક્રાફટના ‘આરીભરત વોલપીસ’ નમૂના માટે સુરતના શ્રી અલકાબેન ચીનુભાઇ પરમારને પ્રથમ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવશે, તેમ ઉદ્યોગ અને ખાણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
- Advertisement -
- Advertisement -