સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય: લાલુ પ્રસાદ યાદવની જામીન અને સજા સ્થગિત રાખવાનો આદેશ યથાવત
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડ સાથે સંકળાયેલા દેવઘર ટ્રેઝરી કેસમાં રાજદ (RJD) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ અદાલતે ઝારખંડ હાઈકોર્ટના તે આદેશને યથાવત રાખ્યો છે. જેમાં લાલુ પ્રસાદ યાદવને જામીન આપી તેમની સજા સ્થગિત (સસ્પેન્ડ) રાખવામાં આવી હતી.
શું હતો સમગ્ર મામલો?
સીબીઆઈ (CBI) દ્વારા ઝારખંડ હાઈકોર્ટના ૧૨ જુલાઈ, ૨૦૧૯ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. તપાસ એજન્સીની દલીલ હતી કે લાલુ પ્રસાદ યાદવની અડધી સજા પૂર્ણ થવાની ગણતરી ખોટી હતી. જેના આધારે તેમને જામીન આપવામાં આવ્યા હતા. સીબીઆઈના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે, ચારા કૌભાંડના અલગ-અલગ કેસોમાં મળેલી સજાઓ ક્રમિક (એક પછી એક) ભોગવવાની રહે છે.
તેની સામે લાલુ પ્રસાદ યાદવના પક્ષે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે, સજા સાથે ચાલશે કે અલગ-અલગ, તે મુદ્દો અપીલની અંતિમ સુનાવણી દરમિયાન નક્કી થવો જોઈએ. હાઈકોર્ટે પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરીને અન્ય સહ-આરોપીઓની જેમ જ લાલુ પ્રસાદને પણ રાહત આપી હતી.
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ પી.બી. વરાલેની ખંડપીઠે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સજા સ્થગિત રાખવાનો આદેશ રદ કરવાનો ઇનકાર કર્યો હતો. અદાલતે અવલોકન કર્યું હતું કે હાઈકોર્ટના આદેશને લગભગ સાત વર્ષ વીતી ગયા છે, તેથી હવે તેમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. સાથે જ, કોર્ટે ઝારખંડ હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે, 2018થી પેન્ડિંગ પડેલી આ ફોજદારી અપીલનો નિકાલ આગામી છ મહિનાની અંદર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, દેવઘર ટ્રેઝરી કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે લાલુ પ્રસાદ યાદવને દોષિત ઠેરવીને સાડા ત્રણ વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા.
- Advertisement -
- Advertisement -