ગીરમાં સિંહ પજવણી કરનાર ટોળકી પર વન વિભાગનો સકંજો: વેરાવળના 8 શખ્સો ઝડપાયા
જસાધાર: સોશિયલ મીડિયા પર સિંહને પજવણી કરતા અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા વીડિયો વાયરલ થવાના મામલે ગીર (પૂર્વ) વન વિભાગે લાલ આંખ કરી છે. જસાધાર રેન્જની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન તપાસ કરી વેરાવળના ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓપરેશનની વિગત
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વન્યપ્રાણીઓની પજવણી કરતા વીડિયો વાયરલ થયા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને ગીર (પૂર્વ) નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ અને મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ૧૫ થી ૨૦ દિવસની કવાયત બાદ વેરાવળ પોલીસના સહયોગથી વન વિભાગે આરોપીઓને દબોચી લીધા છે.
ઝડપાયેલા આરોપીઓ અને ઇન્સ્ટાગ્રામ આઈડી
પકડાયેલા આરોપીઓ વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના રહેવાસી છે: ૧. પંજા મોહમદ અમીનભાઈ ૨. મહમદજાબીલ અબુલ કાલાવાણીયા ૩. કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન ૪. બ્લોચ અયાઝ અનવર ૫. કાલવત ઝેનુલ આબેદીન મહમદ ૬. ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ ૭. સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા ૮. ભાદરકા સોહિલ સુલેમાન
તપાસ દરમિયાન વન વિભાગ દ્વારા આરોપીઓના સોશિયલ મીડિયા આઈડીની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જાબિર_કિંગ_૦૮, કેબી_ફરહાન_૯૨, ઇટ્સ_આઝ_બલોચ_૭૭, આબેદિન.૦૧, સોફિયાન૪૬, એકે_સાબિર_૦૧, અને સોયબ૦૪૭ જેવા આઈડીનો ઉપયોગ કરીને વન્યજીવોની પજવણી કરવામાં આવતી હોવાનું ફલિત થયું હતું. આ તમામ આઈડી ધારકો અને સંકળાયેલા શખ્સો વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગની જાહેર જનતાને અપીલ
ગીર વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે, વન્યપ્રાણીઓને હેરાન કરતા વીડિયોને પ્રોત્સાહન ન આપવું, તેને શેર કે વાયરલ કરવા નહીં. આવા કિસ્સામાં તાત્કાલિક નજીકની વન કચેરીને જાણ કરવી, જેથી વન્યજીવોના આ અમૂલ્ય વારસાનું રક્ષણ થઈ શકે.
કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા
આ સફળ ઓપરેશનમાં વનપાલ સર્વશ્રી એમ. એચ. સોંદરવા, એચ. પી. માડમ, આર. બી. વાળા અને વનરક્ષક સર્વશ્રી જી. વી. પાથર, એસ. કે. કસોટિયા તેમજ ડી. એન. વાઢેળ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ કરનાર સામે સઘન પેટ્રોલિંગ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા કડક હાથે કામ લેવામાં આવશે.
– પરીક્ષેત્ર વન અધિકારી, જસાધાર રેન્જ
- Advertisement -
- Advertisement -