29.9 C
Ahmedabad
Friday, July 10, 2026

અમદાવાદમાં ખેતી બૅંકનો અમૃત મહોત્સવ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું- “ખેડૂતનું ધન સૌથી પવિત્ર, પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ


ગુજરાતની સહકારી પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતી ‘ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ બૅંક’ (ખેતી બૅંક)ના ૭૫મા સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સંપન્ન થઈ હતી. આ પ્રસંગે બૅંકની આર્થિક સધ્ધરતા અને ખેડૂત કલ્યાણના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.

૧૧૧ કરોડનો પ્રોફિટ અને ઝીરો NPAની મોટી સિદ્ધિ કાર્યક્રમમાં ખેતી બૅંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ બૅંકની મજબૂત આર્થિક સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે બૅંકે ₹૧૧૧ કરોડનો વિક્રમી ગ્રોસ પ્રોફિટ કર્યો છે અને બૅંક ‘ઝીરો NPA’ (Non-Performing Assets) ધરાવતી દેશની અગ્રણી સંસ્થા બની છે. આ ઉપરાંત, રાજ્ય સરકારની નાના ખેડૂતો માટેની વ્યાજ માફી યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને કુલ ₹૧૨૫ કરોડની મોટી આર્થિક રાહત આપવામાં આવી છે.

ખેડૂત તો ‘રાજાનો પણ રાજા’ છે: રાજ્યપાલ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ખેડૂતો અને સહકારી આગેવાનોને સંબોધિત કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, “ખેડૂતનું ધન સૌથી પવિત્ર છે. કારણ કે તેમાં તેનો પરસેવો ભળેલો છે. ખેડૂત તો રાજાનો પણ રાજા છે, જે પશુ-પંખીથી લઈને રંક અને રાજા સુધીના તમામ જીવોનું પેટ ભરે છે.” રાજ્યપાલે દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા લેવાયેલા પગલાં અને FPO ના નિર્માણની પ્રશંસા કરતા ઉમેર્યું કે, આ પ્રયાસોથી જ ગુજરાતનું સહકાર મોડલ દેશભરમાં અગ્રીમ હરોળમાં પહોંચ્યું છે.

ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ રાસાયણિક ખેતીના કારણે જમીનમાં વધી રહેલા ઝેર અને કેન્સર, હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ સામે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વૈજ્ઞાનિક પુરાવાઓ ટાંકીને સ્પષ્ટ કર્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી. પરંતુ ખેતીનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.

કૉફી ટેબલ બુકનું વિમોચન અને સન્માન સમારોહ બૅંકની ૭૫ વર્ષની સફર નિમિત્તે આ પ્રસંગે ‘ખેડૂતોના વિશ્વાસનું વટવૃક્ષ’ નામની વિશેષ કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ખેતી બૅંકમાં ૨૫ વર્ષથી વધુ સમય સુધી ઉત્કૃષ્ટ સેવા આપનાર ૨૫ જેટલા સભાસદો અને પ્રતિનિધિઓનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરાયું હતું.

આ ગૌરવશાળી મહોત્સવમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, બૅંકના વાઇસ ચેરમેન જીવણભાઈ આહિર, સિનિયર ડાયરેક્ટર જશાભાઇ બારડ તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -