ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ: કચ્છના નલિયામાં જન્મેલું અત્યંત દુર્લભ ‘ઘોરાડ’ પક્ષીનું બચ્ચું 40 દિવસ જીવિત રહીને નાજુક તબક્કો પાર કરી ગયું!
કચ્છ/ગાંધીનગર: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું.વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત અને લુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ એવા મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડ (Great Indian Bustard – GIB) ના અસ્તિત્વને બચાવવાની દિશામાં એક ખૂબ જ આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ મળી છે.
કચ્છના નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા ‘જમ્પ સ્ટાર્ટ’ (Jump Start) પ્રોજેક્ટ અંતર્ગત ગત 21 મે 2026ના રોજ જન્મેલા ઘોરાડના બચ્ચાએ જીવનના સફળતાપૂર્વક 40 દિવસ પૂર્ણ કર્યા છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, બચ્ચાના જીવનના શરૂઆતના 40 દિવસ ખૂબ જ નાજુક અને અતિ મહત્વપૂર્ણ હોય છે.જે આ બચ્ચાએ હેમખેમ પાર કરી લીધા છે.
વન વિભાગ અને વૈજ્ઞાનિકોના સંયુક્ત પ્રયાસો સફળ આ જટિલ પ્રક્રિયા વિશે માહિતી આપતા વન વિભાગે જણાવ્યું છે કે, કુદરતી રહેઠાણમાં ઈંડાની સુરક્ષા કરવી અને ત્યારબાદ કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો ઉછેર (Foster-mothering) કરવો એ અત્યંત જટિલ પ્રક્રિયા છે. નલિયા ખાતે વન વિભાગ અને તજજ્ઞોની ટીમ દ્વારા આ બચ્ચાની 24 કલાક કડક દેખરેખ અને વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળ સંભાળ રાખવામાં આવી રહી છે. ભારતની જૈવ-વિવિધતા (Biodiversity) ના સંવર્ધનની સફરમાં આ સિદ્ધિ એક નવો સીમાચિહ્ન સાબિત થશે.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી દ્વારા પણ વન વિભાગના અધિકારીઓ, વન્યજીવ પ્રેમીઓ અને વૈજ્ઞાનિકોની આ અવિરત મહેનત અને સમર્પણને બિરદાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવએ પણ આ સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વીડિયો અને ફોટા શેર કરીને આ ખુશીના સમાચાર દેશ સાથે વહેંચ્યા હતા.ભાવિ પેઢી માટે કુદરતી વારસાને સુરક્ષિત રાખવા માટે આ સફળતા વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે નવી આશા જગાવે છે.
- Advertisement -
- Advertisement -