બનાસ જનરલ સિવિલમાં 7 વર્ષની બાળકીના ગળાની 10 સેમી જન્મજાત ગાંઠનું સફળ ઓપરેશન..
વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના મોરલ ગામની 7 વર્ષની બાળકી કાજલ જન્મજાત ગળાની ગાંઠની સમસ્યાથી છેલ્લા સાત વર્ષથી પીડાઈ રહી હતી. ગાંઠના કારણે તેને શ્વાસ લેવામાં, ખાવા-પીવામાં તેમજ ઊંઘવામાં ભારે તકલીફ પડતી હતી.
બાળકી ગત 22 જૂનના રોજ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગમાં તપાસ અર્થે આવી હતી. તપાસ દરમિયાન ગળાના ભાગમાં વધુ દુખાવો તેમજ ગાંઠની ગંભીરતા ધ્યાનમાં લેતા તબીબોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી. પરિવારની સંમતિ મળ્યા બાદ બાળકીને દાખલ કરીને જરૂરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી તેમજ સીટી સ્કેન સહિતની જરૂરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળકીને લસિકાવાહિનીની જન્મજાત ગાંઠ (લિમ્ફેટિક મેલફોર્મેશન) હોવાનું નિદાન થયું હતું.
તબીબોની ટીમે જરૂરી સારવાર આપ્યા બાદ બાળકીને સર્જરી માટે તૈયાર કરી હતી. ત્યારબાદ જનરલ એનેસ્થેસિયા હેઠળ ગળાના ભાગે ચીરો મૂકી અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલી જટિલ સર્જરીમાં આશરે 10 સેન્ટીમીટરની દુર્લભ જન્મજાત ગાંઠ સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.
ઓપરેશન સફળ રહેતાં બાળકીને લાંબા સમયથી ચાલતી પીડામાંથી રાહત મળી હતી. આઠ દિવસની સારવાર બાદ બાળકીની તબિયતમાં નોંધપાત્ર સુધારો થતાં તેને રજા આપવામાં આવી હતી. હાલમાં તેને શ્વાસ લેવામાં, ખાવા-પીવામાં તેમજ ઊંઘવામાં કોઈ તકલીફ નથી અને તેની તબિયત સંતોષજનક હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું.
આ સફળ સર્જરી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઇ.એન.ટી. વિભાગના ડૉ. જય પટેલ, ડૉ. સાધના યાદવ, ડૉ. હાર્દિકા પટેલ, ડૉ. હિમાની ચૌધરી ડો. શિલ્પા ડો. ધર્મેન્દ્ર તથા એનેસ્થેસિયા વિભાગની ટીમે સંયુક્ત રીતે કરી હતી.
સર્જરી દરમિયાન દૂર કરવામાં આવેલી ગાંઠનું બાયોપ્સી માટે નમૂનું લઈ વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ગળાની વિવિધ પ્રકારની ગાંઠોનું નિદાન, તપાસ અને સર્જરી સહિતની વિશેષ સારવાર ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવાયું છે.દર્દીના પરિવારજનોએ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
- Advertisement -