સોના-ચાંદી અને VVIP દર્શનમાં મોટો ‘ખેલ’: રામ મંદિર શ્રદ્ધાળુઓની આસ્થા સાથે છેતરપિંડી, તપાસમાં ચોંકાવનારા ખુલાસા
રામ મંદિરમાં ચઢાવા (દાન) ચોરીની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે. તેમ-તેમ મંદિરના મેનેજમેન્ટથી લઈને દર્શન વ્યવસ્થા સુધીની અનેક ગેરરીતિઓ સામે આવી રહી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર દાનની જ ચોરી નથી થઈ, પરંતુ ભક્તોને રામલલાના દર્શન કરાવવાના નામે પણ તગડી કમાણી કરવામાં આવી છે. ગોપાલ રાવ સાથે મળીને ટિન્નુ યાદવ રામભક્તોને VVIP દર્શનની ગેરંટી આપતો હતો અને તેના બદલામાં રૂ. 25,000 વસૂલવામાં આવતા હતા. તપાસ મુજબ, દર્શનના નામે વસૂલાતનો આ ધંધો હોટલ માલિકો સાથે મળીને ચલાવવામાં આવી રહ્યો હતો.
કેવી રીતે અપાતું હતું ‘સ્પેશિયલ પેકેજ‘?
રામ મંદિરમાં VVIP અથવા અતિ વિશિષ્ટ દર્શન માટે દરરોજ 300 પાસ મફતમાં ઇશ્યૂ કરવામાં આવતા હતા અને આ પાસ માટે કોઈ ચાર્જ નહોતો. પરંતુ મંદિર પરિસરમાં ટિન્નુ યાદવનો જ સિક્કો ચાલતો હતો, તેથી તે જેને ઈચ્છે તેને પાસ અપાવી દેતો હતો. જોકે, આ સેવા મફત નહોતી.
ટીન્નુ યાદવ અને ગોપાલ રાવે અયોધ્યાની કેટલીક હોટલો સાથે સાંઠગાંઠ કરી રાખી હતી. હોટલમાં રોકાતા ભક્તોને હોટલ મેનેજમેન્ટ તરફથી રૂ. 25,000ના સ્પેશિયલ પેકેજની ઓફર આપવામાં આવતી હતી.
VVIP દર્શનની આખી રમત
આ સ્પેશિયલ પેકેજમાં રામલલાના VVIP દર્શન અને મંદિરમાં આરતી કરાવવાનો સમાવેશ થતો હતો. જે ભક્તો આટલા પૈસા આપવા તૈયાર થઈ જતા, તેમની યાદી ટિન્નુ યાદવ પાસે પહોંચી જતી. ટિન્નુ આ લોકોની મંદિર પરિસરમાં VIP ગેટથી એન્ટ્રીની વ્યવસ્થા કરતો હતો. ગોપાલ રાવ મંદિરના વ્યવસ્થાપક હતા. તેથી તેઓ પૈસા આપીને આવતા લોકો માટે VIP દર્શન ગોઠવી આપતા હતા. કામ પૂરું થયા પછી બંનેને પોતાનું કમિશન મળી જતું હતું.
આમ તો રામલલાના VIP દર્શન માટે મફતમાં ઓનલાઈન બુકિંગ થાય છે. પરંતુ મોટાભાગના લોકોને આની માહિતી નહોતી અને તેનો જ ફાયદો ટિન્નુ યાદવ અને ગોપાલ રાવે ઉઠાવ્યો. રામનવમી, દિવાળી અને નૂતન વર્ષ (નવા વર્ષ) જેવા તહેવારો પર જ્યારે ભક્તોની ભારે ભીડ ઉમટતી, ત્યારે ગોપાલ અને ટિન્નુએ VVIP દર્શનના નામે અઢળક પૈસા કમાયા. હોટલ સંચાલકો આ સ્પેશિયલ પેકેજ બુક કરતા, જેમાં હોટલમાં રહેવા-જમવાથી લઈને VVIP દર્શન અને આરતી સામેલ હતી. અને તેમાંથી ટિન્નુ તથા ગોપાલને તેમનું કમિશન મળતું હતું.
હોટલ માલિકો સાથે કેવી ડીલ થતી હતી?
ટીન્નુ પાસે હંમેશા વોકી-ટોકી રહેતી અને તેની પાસે VVIP દર્શનના પાસ ઇશ્યૂ કરવાની સત્તા પણ હતી. શરૂઆતમાં જ્યારે પ્રથમ માળે ‘રામ દરબાર’ સજાવવામાં આવ્યો હતો. ત્યારે સામાન્ય શ્રદ્ધાળુઓને ત્યાં સુધી જવાની મંજૂરી નહોતી. પરંતુ VVIP દર્શન કરનારાઓ ત્યાં સુધી જઈ શકતા હતા. આ સિવાય દરરોજ 600 સુગમ દર્શન પાસ પણ ઇશ્યૂ કરવામાં આવતા હતા. સુગમ દર્શન કરનારા પણ રામ મંદિરની સાથે રામ દરબાર સુધી જઈને દર્શન કરી શકતા હતા. આ દર્શન માટે ગોપાલ રાવ અને ટિન્નુ યાદવ મળીને આખું રેકેટ ચલાવી રહ્યા હતા અને ટિન્નુએ અયોધ્યાની હોટલો સાથે પાકી ડીલ કરી રાખી હતી.
ચંપત રાય અંગે મોટો ખુલાસો
જ્યારથી દાન ચોરીનો ખુલાસો થયો છે.ત્યારથી દાન આપનારા અનેક રામભક્તો સામે આવી રહ્યા છે. આ તમામ લોકો ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના વર્તન અને તેમના અહંકારના કિસ્સાઓ ખુલ્લેઆમ જણાવી રહ્યા છે. દેશના પૂર્વ ગૃહ સચિવ (Former Home Secretary) એસ. લક્ષ્મીનારાયણે જણાવ્યું કે, જ્યારે તેમણે ચંપત રાયને રામ મંદિરમાં ભેટ આપેલી સોનાની ‘રામચરિતમાનસ’ વિશે પૂછ્યું, ત્યારે ચંપત રાયે જવાબ આપવાને બદલે કહ્યું કે, “મંદિરમાં તો મારી જ મરજી ચાલશે, જેને ફરિયાદ કરવી હોય તે ભલે કરે.”
સોનાની રામચરિતમાનસની શોધખોળ
એસ. લક્ષ્મીનારાયણે 8 એપ્રિલ 2024ના રોજ સોનાથી મઢેલી રામચરિતમાનસ રામલલાને ભેટ ધરી હતી. તેમણે પોતાના પૂર્વજોના દાગીના ઓગાળીને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ રામચરિતમાનસ તૈયાર કરાવી હતી. લક્ષ્મીનારાયણે જણાવ્યું કે શરૂઆતમાં તો આ સોનાની રામચરિતમાનસ રામલલાની પાસે જ રાખવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો પછી તેને ત્યાંથી હટાવી દેવાઈ. જ્યારે તેઓ આ અંગે માહિતી લેવા અયોધ્યા ગયા, ત્યારે ચંપત રાયે તેમને 9 કલાક સુધી રાહ જોવડાવી. તે પછી જ્યારે મુલાકાત થઈ ત્યારે કહી દીધું કે, “કરોડો રામભક્તોએ ભગવાનને ભેટ ચઢાવી છે, શું હું બધાનો હિસાબ આપતો ફરીશ?”
કિંમતી આભૂષણો ગાયબ થઈ જતા હતા
મળતી માહિતી મુજબ, રામલલાને અર્પણ કરવામાં આવતા સોના-ચાંદીના દાગીના સાચવવાની જવાબદારી પણ ચંપત રાયે ટિન્નુ યાદવને સોંપી દીધી હતી. જ્યારે પણ કોઈ મોટો ભક્ત આવતો, ત્યારે ટિન્નુ યાદવ તેને VIP દર્શન કરાવતો અને તેની હાજરીમાં જ કિંમતી વસ્તુ રામલલા પાસે મુકાવી દેતો. પરંતુ આ દાનની કોઈ રસીદ (Receipt) આપવામાં આવતી નહોતી અને થોડી જ વારમાં આવી કિંમતી વસ્તુઓ રામલલાની મૂર્તિ પાસેથી હટાવી લેવાતી હતી.
આ કિંમતી આભૂષણોનો કોઈ ચોપડે હિસાબ-કિતાબ જ નથી. જેના કારણે હવે એ તમામ શ્રદ્ધાળુઓ ભારે ચિંતિત અને પરેશાન છે જેમણે રામલલાને સોના-ચાંદીના મોંઘા દાગીના દાનમાં આપ્યા હતા.
- Advertisement -
- Advertisement -