‘માત્ર રજિસ્ટ્રેશનથી હિન્દુ લગ્ન કાયદેસર નહીં ગણાય, પરંપરાગત વિધિઓ જરૂરી’: ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે જો ‘સપ્તપદી’ (મંગળફેરા) જેવી પરંપરાગત વિધિઓ અને ધાર્મિક વિધિઓ કરવામાં ન આવી હોય, તો માત્ર રજિસ્ટ્રેશનના આધારે હિન્દુ લગ્નને કાયદેસર ગણી શકાય નહીં. હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, પરંપરાગત ધાર્મિક વિધિઓ, તેમની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓ હોવા છતાં, વ્યક્તિના આધ્યાત્મિક અસ્તિત્વને શુદ્ધ અને પરિવર્તિત કરે છે. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો ગયા વર્ષે નવેમ્બરમાં ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરતા આવ્યો છે.
સપ્તપદી જેવી આવશ્યક વિધિ હિન્દુ લગ્નનો આધાર
ફેમિલી કોર્ટે પક્ષકારો વચ્ચે થયેલા કથિત લગ્નને અમાન્ય જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. જેને બ્રિટન (UK) માં રહેતા એક વ્યક્તિએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે જણાવ્યું કે સપ્તપદી જેવી આવશ્યક વિધિ હિન્દુ લગ્નનો મુખ્ય આધાર છે. આ મામલો અપીલકર્તા કૌશલ સોનાર સાથે જોડાયેલો છે. જેમણે લગ્નને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી.
કોઈ હિન્દુ વિધિઓ કરવામાં આવી ન હતી
સોનારે કોર્ટને જણાવ્યું કે, તેમને આ કથિત લગ્ન વિશે ત્યારે ખબર પડી જ્યારે સામી વકીલ (મહિલા) એ તેમના માતા-પિતાનો સંપર્ક કર્યો અને મેરેજ સર્ટિફિકેટ (લગ્નનું પ્રમાણપત્ર) આપીને દાવો કર્યો કે તે તેમની કાયદેસરની પત્ની છે. સોનારે દાવો કર્યો હતો કે, તેમણે મહિલા સાથે ક્યારેય કોઈ લગ્ન કર્યા નથી. કોઈ હિન્દુ રીત-રિવાજો નિભાવ્યા નથી અને ક્યારેય પતિ-પત્ની તરીકે સાથે રહ્યા પણ નથી.
મહિલાએ કોર્ટમાં સ્વીકાર્યું: લગ્નની કોઈ વિધિ થઈ નથી
હાઈકોર્ટે નોંધ્યું કે. જ્યારે સામે પક્ષની મહિલાએ ફેમિલી કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે બંને પક્ષો વચ્ચે લગ્નની કોઈ વિધિ કે ધાર્મિક સમારોહ થયો ન હતો અને બંને વચ્ચે ક્યારેય પતિ-પત્નીનો સંબંધ રહ્યો નથી. તેમ છતાં ફેમિલી કોર્ટે અપીલકર્તા દ્વારા દાખલ કરાયેલી અરજી ફગાવીને ભૂલ કરી હતી.
હિન્દુ મેરેજ એક્ટની કલમ ૭ નો અપાયો હવાલો
કોર્ટે હિન્દુ મેરેજ એક્ટ (હિન્દુ લગ્ન કાયદો) ની કલમ ૭ નો હવાલો આપ્યો, જેમાં લગ્નને પૂર્ણ અને બંધનકર્તા બનાવવા માટે પરંપરાગત રીત-રિવાજો અને વિધિઓનો ઉલ્લેખ છે. કોર્ટે જણાવ્યું કે, જે અર્થે લગ્નની કોઈ વિધિ કે ધાર્મિક વિધિઓ યોજાઈ ન હતી. તેથી આ મામલામાં હિન્દુ લગ્નની મૂળભૂત અને આવશ્યક શરતો પૂરી થતી નથી.
- Advertisement -
- Advertisement -