ટ્રમ્પને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: ‘બર્થરાઇટ સિટિઝનશિપ’ નાબૂદ કરવાનો આદેશ ફગાવ્યો..શું ભારતમાં આ કાયદો છે ?
અમેરિકી સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ડાને મોટો ઝટકો આપતા એ આદેશને સંપૂર્ણપણે ફગાવી દીધો. જેના હેઠળ અમેરિકામાં જન્મના આધારે મળતી નાગરિકતા (બર્થરાઇટ સિટિઝનશિપ) ને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પોતાના ઐતિહાસિક ચુકાદામાં બંધારણના ૧૪મા સુધારાની એ ઐતિહાસિક જોગવાઈને ફરીથી યોગ્ય ઠેરવી છે. જે અમેરિકી ધરતી પર જન્મ લેનારા તમામ બાળકોને નાગરિકતાનો અધિકાર આપે છે.
જાન્યુઆરી ૨૦૨૫માં ટ્રમ્પે જાહેર કર્યો હતો આદેશ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૨૫માં ફરીથી સત્તા સંભાળતાની સાથે જ પોતાના પહેલા દિવસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર (કાર્યકારી આદેશ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશનો ઉદ્દેશ્ય એવા બાળકોને નાગરિકતા મેળવતા રોકવાનો હતો. જેમના માતા-પિતા ગેરકાયદેસર રીતે રહેતા હતા અથવા કામચલાઉ (ટેમ્પરરી) વિઝા પર અમેરિકામાં હાજર હતા. આ નીતિ હેઠળ નાગરિકતા માત્ર એવા બાળકો પૂરતી જ મર્યાદિત કરવાની હતી. જેમના માતા-પિતામાંથી ઓછામાં ઓછું કોઈ એક અમેરિકી નાગરિક હોય અથવા ત્યાંના કાયદેસરના કાયમી રહેવાસી (ગ્રીન કાર્ડ ધારક) હોય.
૬-૩ની બહુમતીથી નિર્ણય રાખ્યો અકબંધ
સુપ્રીમ કોર્ટે ૬-૩ની બહુમતીથી નીચલી અદાલતના એ નિર્ણયને અકબંધ રાખ્યો છે. જેણે ટ્રમ્પના આ આદેશ પર રોક લગાવી હતી. રિપબ્લિકન રાષ્ટ્રપતિની લાંબા સમયથી દલીલ રહી છે કે જન્મસિદ્ધ નાગરિકતાનો વર્તમાન નિયમ ઇમિગ્રેશન સિસ્ટમના દુરુપયોગને પ્રોત્સાહન આપે છે. જ્યારે માનવાધિકાર સંગઠનો અને વિવેચકોએ તેને એક પક્ષપાતી પગલું ગણાવ્યું હતું.
૧૪મા બંધારણીય સુધારા પર હતો સમગ્ર વિવાદ
આ આખો કાનૂની મામલો અમેરિકી બંધારણના ૧૪મા સુધારાના ‘સિટિઝનશિપ ક્લોઝ’ (નાગરિકતાની કલમ) પર કેન્દ્રિત હતો. આ કલમ અનુસાર,
“યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા અથવા કુદરતી રીતે નાગરિક બનેલા અને તેના અધિકારક્ષેત્રને આધીન રહેનારા તમામ વ્યક્તિઓ યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક છે.”
છેલ્લા ૧૫૦ થી વધુ વર્ષોથી આ જોગવાઈનો અર્થ એ જ કાઢવામાં આવી રહ્યો છે કે અમેરિકામાં જન્મ લેનારા દરેક બાળકને નાગરિકતા મળશે. પછી ભલે તેના માતા-પિતાની કાનૂની સ્થિતિ ગમે તે હોય.
બર્થરાઇટ સિટિઝનશિપ (Birthright Citizenship) એટલે કે ‘જન્મસિદ્ધ નાગરિકતા’. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવો કાનૂની અધિકાર છે જેના હેઠળ જો કોઈ બાળક કોઈ દેશની ધરતી (સરહદ) પર જન્મ લે છે. તો તેને આપોઆપ તે દેશની નાગરિકતા મળી જાય છે. આમાં બાળકના માતા-પિતા કયા દેશના છે અથવા તેમની કાનૂની સ્થિતિ (જેમ કે પ્રવાસી કે ગેરકાયદેસર રહેવાસી) શું છે. તેનાથી કોઈ ફરક પડતો નથી.
આ વ્યવસ્થા વિશેની મહત્વની વિગતો નીચે મુજબ છે:
૧. આ કાયદો કયા સિદ્ધાંત પર કામ કરે છે?
આ આંતરરાષ્ટ્રીય કાયદાના એક વિશેષ સિદ્ધાંત પર આધારિત છે જેને ‘જસ સોલી’ (Jus Soli) કહેવામાં આવે છે.જેનો લેટિન ભાષામાં અર્થ થાય છે ‘જમીનનો અધિકાર’ (Right of the soil). આ સિદ્ધાંત મુજબ નાગરિકતા વ્યક્તિ ક્યાં જન્મી છે તેના આધારે નક્કી થાય છે. નહીં કે તેના માતા-પિતા કોણ છે તેના આધારે.
૨. અમેરિકામાં આનો નિયમ શું છે?
અમેરિકામાં આ અધિકાર ખૂબ જ મજબૂત છે અને તે અમેરિકી બંધારણના ૧૪મા સુધારા (14th Amendment) હેઠળ સુરક્ષિત છે.
-
આ કાયદા મુજબ, જો કોઈ વિદેશી કપલ (જેમ કે પ્રવાસી, વિદ્યાર્થી કે ગેરકાયદેસર રીતે રહેતા લોકો) અમેરિકામાં હોય અને ત્યાં તેમના બાળકનો જન્મ થાય, તો તે બાળક જન્મતાની સાથે જ કાયદેસર રીતે અમેરિકાનો નાગરિક બની જાય છે.
-
તેને અમેરિકાના તમામ નાગરિક અધિકારો અને પાસપોર્ટ મેળવવાનો હક મળે છે.
૩. તાજેતરમાં આ મુદ્દો ચર્ચામાં કેમ છે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ નિયમનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે આ કાયદાના કારણે ગેરકાયદેસર ઇમિગ્રેશન (ઘૂસણખોરી) વધે છે અને લોકો માત્ર નાગરિકતા મેળવવા માટે જ અમેરિકા આવીને બાળકોને જન્મ આપે છે (જેને ઘણીવાર ‘એન્કર બેબીઝ’ કહેવામાં આવે છે). આથી તેમણે આ નિયમ નાબૂદ કરવા આદેશ આપ્યો હતો.જેને તાજેતરમાં જ ત્યાંની સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખીને ફગાવી દીધો છે.
૪. કયા દેશોમાં બર્થરાઇટ સિટિઝનશિપ મળે છે?
વિશ્વના અંદાજે ૩૦ થી વધુ દેશોમાં આ કાયદો સંપૂર્ણપણે લાગુ છે. ખાસ કરીને ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના દેશોમાં આ વ્યવસ્થા છે:
-
અમેરિકા (USA)
-
કેનેડા
-
બ્રાઝિલ
-
મેક્સિકો
-
અર્જેન્ટીના
૫. શું ભારતમાં આ કાયદો છે?
ના, ભારતમાં અત્યારે સંપૂર્ણ ‘બર્થરાઇટ સિટિઝનશિપ’ (જસ સોલી) નો નિયમ નથી.
-
૧૯૫૦ થી ૧૯૮૭ સુધી ભારતમાં આ નિયમ હતો કે, ભારતમાં જન્મેલા દરેક વ્યક્તિને નાગરિકતા મળતી હતી.
-
પરંતુ, ત્યારબાદ નાગરિકતા કાયદા (Citizenship Act) માં સુધારા કરવામાં આવ્યા. અત્યારના નિયમ મુજબ, ભારતમાં જન્મેલા બાળકને ત્યારે જ નાગરિકતા મળે જો તેના માતા-પિતામાંથી ઓછામાં ઓછું કોઈ એક ભારતનું નાગરિક હોય અને બીજું ગેરકાયદેસર ઘૂસણખોર ન હોય. ભારત ‘જસ સેન્ગ્વિનિસ’ (Jus Sanguinis – લોહીનો અધિકાર) ના સિદ્ધાંતને વધુ મહત્વ આપે છે.
- Advertisement -
- Advertisement -