પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પેઝેશકિયને પ્રધાનમંત્રી મોદીને પશ્ચિમ એશિયાના તાજેતરના પ્રવાહો અને આગામી સ્થિતિથી માહિતગાર કર્યા હતા. ઈરાન-અમેરિકા શાંતિ કરાર બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત છે. આ પહેલા માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે વાત કરીને ઈદ-નવરોઝની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં થયેલા શાંતિ કરારનું સ્વાગત કર્યું અને પુનરોચ્ચાર કર્યો કે ભારતનું સતત એવું વલણ રહ્યું છે કે તમામ મુદ્દાઓનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી (ડિપ્લોમેસી) માધ્યમથી જ આવવો જોઈએ. પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
પીએમ મોદીએ સમુદ્રી સુરક્ષા પર આપ્યો ભાર
પીએમ મોદીએ ખાસ કરીને દરિયાઈ માર્ગોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને અવરોધ વિના જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વૈશ્વિક સપ્લાય ચેઈન અને આર્થિક સ્થિરતા માટે સમુદ્રી પરિવહનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથેની વાતચીત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયાના તાજેતરના પ્રવાહો પર ચર્ચા થઈ છે. તેમણે વાર્તાલાપમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરતા આશા વ્યક્ત કરી કે સતત પ્રયાસોથી આ વિસ્તારમાં કાયમી શાંતિ સ્થપાશે. પ્રધાનમંત્રીએ ભારત અને વિશ્વ માટે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં નૌકાપરિવહનની સ્વતંત્રતાના મહત્વને પણ દોહરાવ્યું હતું.
અગાઉ ૨૧ માર્ચે પણ બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. તે સમયે તેમણે પશ્ચિમ એશિયાની સુરક્ષા સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી હતી. વાતચીતમાં પ્રધાનમંત્રી મોદીએ આ વિસ્તારના મહત્વના માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) પર થયેલા હુમલાની નિંદા કરી હતી. સાથે જ તેમણે દરિયાઈ માર્ગોની સુરક્ષા અને જહાજોની અવરજવરને સુરક્ષિત રાખવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આ પહેલા ૧૨ માર્ચે થયેલી વાતચીતમાં પણ પ્રધાનમંત્રી મોદીએ વિસ્તારમાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી સામાન્ય લોકોના જીવ ગયા છે અને પાયાની સુવિધાઓને પણ નુકસાન થયું છે.
ચાબહાર બંદરગાહ: ભારત અને ઈરાન માટે સોનેરી દ્વાર
ગયા મહિને બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ચાબહાર બંદરને ભારત અને ઈરાનના સહયોગનું એક મોટું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતની મદદથી વિકસી રહેલું આ બંદર ભારત માટે મધ્ય એશિયા, કાકેશસ અને યુરોપ સુધી પહોંચવા માટેનું ‘સોનેરી દ્વાર’ બનશે.
અરાગચીએ કહ્યું,
“ચાબહાર બંદર ભારત અને ઈરાનના સહયોગના સૌથી મહત્વપૂર્ણ ઉદાહરણોમાંનું એક છે. અમને ખુશી છે કે તેના વિકાસમાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે. હાલમાં અમેરિકાના પ્રતિબંધોને કારણે તેની ગતિ થોડી ધીમી થઈ છે. પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે. આ બંદર ભારત માટે મધ્ય એશિયા, કાકેશસ અને પછી યુરોપ સુધી પહોંચવાનો સોનેરી માર્ગ બનશે. તેમજ યુરોપ, મધ્ય એશિયા અને અન્ય દેશો માટે પણ આ હિંદ મહાસાગર સુધી પહોંચવાનો મહત્વનો માર્ગ હશે.”

