પાંચ વર્ષથી પીડાતી મહિલાને બનાસ જનરલ હોસ્પિટલમાં મળી કાયમી રાહત; સંસ્થાની સેવાથી પ્રભાવિત પરિવારે ₹51 હજારનું દાન આપ્યું
દાંતીવાડા તાલુકાના જેગોલ ગામના 35 વર્ષીય શ્રીમતી લીલાબેન જેગોડા છેલ્લા પાંચ એક વર્ષથી પેશાબના ભાગમાં સતત દુખાવો, બળતરા અને અન્ય ગંભીર તકલીફોથી પીડાઈ રહ્યા હતા. આ સમસ્યાના કારણે તેઓ શારીરિક તેમજ માનસિક રીતે ખૂબ હેરાન થઈ ગયા હતા.તેમણે સારવાર માટે ડીસા, પાલનપુર અને અમદાવાદની અનેક ખાનગી ગાયનેકોલોજી તથા યુરોલોજી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નહોતું.
આ દરમિયાન ત્રણ વખત પેશાબની નળી અને પેશાબની થેલીની દૂરબીન (એન્ડોસ્કોપી) દ્વારા તપાસ પણ કરાવવામાં આવી હતી. છતાં કોઈ કાયમી રાહત મળી નહોતી. એક ખાનગી હોસ્પિટલના યુરોલોજિસ્ટે પેશાબની નળી બગડી ગઈ હોવાનું જણાવી તેને કાઢીને પ્લાસ્ટિક સર્જરી દ્વારા નવી બનાવવાની સલાહ આપી હતી. આ સર્જરીનો અંદાજિત ખર્ચ રૂ. 80 હજાર જેટલો થવાનો હતો. અને તેની સફળતાની કોઈ ખાતરી પણ આપવામાં આવી નહોતી.
વર્ષો સુધી વિવિધ સારવાર પાછળ અંદાજે રૂ. 10થી 12 લાખ જેટલો ખર્ચ થયો હોવા છતાં તેમની તકલીફ યથાવત રહી હતી. આ દરમિયાન તેઓને પોતાના સ્નેહીજનોના જણાવ્યું હતું કે, પાલનપુર ખાતે આવેલી બનાસ જનરલ હોસ્પિટલ ખાતે યુરોલોજિસ્ટ તથા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલભાઈ જોશીનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
ત્યારબાદ લગભગ એક વર્ષ પહેલાં લીલાબેને ડૉ. સુનિલભાઈ જોશીનો સંપર્ક કર્યો હતો. સંપૂર્ણ તપાસ બાદ ડૉક્ટરે તેમને વિશ્વાસ આપ્યો કે તેમની તકલીફનું નિરાકરણ થઈ જશે.ડૉ. સુનિલભાઈ જોશીએ પેશાબની નળીની બાજુમાં વિશેષ પ્રકારનું ઇન્જેક્શન આપ્યું હતું તેમજ દર 15 દિવસે વધુ બે ઇન્જેક્શન અને જરૂરી દવાઓ લેવાની સલાહ આપી હતી. પ્રથમ ઇન્જેક્શન બાદ જ લીલાબેનને લગભગ 80 ટકા રાહત અનુભવાઈ હતી. જ્યારે ત્રણેય ઇન્જેક્શનનો કોર્સ પૂર્ણ થયા બાદ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા.વર્ષો સુધીની અસહ્ય પીડામાંથી કાયમી મુક્તિ મળતાં લીલાબેન અને તેમના પરિવારજનો ખૂબ જ ખુશ થયા હતા.
બનાસ જનરલ હોસ્પિટલની નિઃસ્વાર્થ અને ગુણવત્તાસભર સેવાથી પ્રભાવિત થઈ તેમણે પોતાના પશુપાલનના વ્યવસાયમાંથી થતી આવક માંથી શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલને રૂ. 51 હજારનું દાન અર્પણ કર્યું, જેથી અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને પણ સારવારનો લાભ મળી શકે.
લીલાબેને જણાવ્યું હતું કે, બનાસ જનરલ હોસ્પિટલ અને યુરોલોજિસ્ટ ડૉ. સુનિલભાઈ જોશીના યોગ્ય નિદાન, અનુભવી સારવાર અને માનવીય અભિગમના કારણે તેમને વર્ષો જૂની અસહ્ય તકલીફમાંથી સંપૂર્ણ રાહત મળી છે. તબીબોની અથાગ મહેનત, સમયસર સારવાર અને આધુનિક તબીબી સુવિધાઓના કારણે તેઓ સંપૂર્ણ સ્વસ્થ બન્યા છે. લાંબી સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતાં પરિવારજનોએ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ તથા તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
બનાસ ડેરીના ચેરમેન તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે. ચૌધરીની દેખરેખ હેઠળ બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં વિવિધ સુપર સ્પેશિયાલિટી વિભાગો, અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર અને આધુનિક તબીબી સુવિધાઓ સાથે ઉચ્ચ કક્ષાની સારવાર ઉપલબ્ધ છે.
દરરોજ 1,800થી વધુ દર્દીઓને ગુણવત્તાસભર અને સુવિધાસભર આરોગ્યસેવાઓ પૂરી પાડતી આ હોસ્પિટલ આજે ઉત્તર ગુજરાતમાં વિશ્વાસ અને ઉત્તમ સારવારનું કેન્દ્ર બની છે.
- Advertisement -
- Advertisement -