1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું અસર પડશે?
જૂન મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. દર વખતની જેમ આ વખતે પણ નવા મહિનાની એટલે કે જુલાઈની શરૂઆત કેટલાક મોટા ફેરફારો (Rule Change) સાથે થશે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન અને ખિસ્સા બંને પર પડી શકે છે. આવો જાણીએ પહેલી તારીખથી થનારા ૫ મોટા ફેરફારો વિશે.
૧. એલપીજી સિલિન્ડરના ભાવ (LPG Cylinder Price)
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. તેથી 1 જુલાઈએ પણ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. તાજેતરના દિવસોમાં અમેરિકા-ઈરાન તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવની અસર એલપીજીની કિંમતો પર પણ જોવા મળી છે. અગાઉ 1 જૂના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 53.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના પછી દિલ્હીમાં તેની કિંમત ૩,૧૧૩.૫૦ રૂપિયા થઈ ગઈ હતી. આ સાથે જ ૫ કિલોવાળા સિલિન્ડરના ભાવ પણ વધ્યા હતા. જોકે, ૧૪.૨ કિલોના ઘરેલું રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
૨. એટીએફના ભાવ (ATF Price Change): હવાઈ મુસાફરી મોંઘી કે સસ્તી થઈ શકે છે
દર મહિને ઓઇલ કંપનીઓ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF એટલે કે વિમાનના ઇંધણ)ની કિંમતોમાં પણ સુધારો કરે છે. જો એટીએફ મોંઘું થાય તો એરલાઇન્સનો ખર્ચ વધે છે. જેની અસર મુસાફરોની ટિકિટ પર પડી શકે છે. બીજી તરફ જો તેની કિંમત ઘટે છે. તો હવાઈ મુસાફરીનો ખર્ચ ઓછો થવાની સંભાવના રહે છે. તેથી ૧ જુલાઈએ જાહેર થનારી એટીએફની નવી કિંમતો પણ મુસાફરો માટે મહત્વપૂર્ણ રહેશે.
૩. એચડીએફસી ક્રેડિટ કાર્ડ નિયમ (HDFC Credit Card Rule): રીગેલિયા ગોલ્ડ કાર્ડના નિયમો બદલાશે
જો તમે HDFC Bank Regalia Gold Credit Card નો ઉપયોગ કરો છો, તો ૧ જુલાઈથી તમારા માટે નવો નિયમ લાગુ થશે. બેંકના નવા નિયમ મુજબ, ડોમેસ્ટિક (ઘરેલું) એરપોર્ટ લાઉન્જની મફત સુવિધા ચાલુ રાખવા માટે કાર્ડધારકોએ અગાઉના ક્વાર્ટરમાં (ત્રણ મહિનામાં) ઓછામાં ઓછા ૬૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. જો આ ખર્ચ પૂરો નહીં થાય, તો આગામી ક્વાર્ટરમાં મફત એરપોર્ટ લાઉન્જ એક્સેસનો લાભ મળશે નહીં.
૪. આધાર અપડેટ (Aadhaar Update): ઈમેલ આઈડી અપડેટ કરવું હવે મફત
૧ જુલાઈથી આધાર કાર્ડ ધારકો માટે પણ એક રાહતના સમાચાર છે. UIDAI એ જાહેરાત કરી છે કે આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવાની સુવિધા હવે મફત આપવામાં આવશે. આ સુવિધા આગામી ૬ મહિના એટલે કે ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. આ પહેલા આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવા માટે ૭૫ રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી.
૫. કારના ભાવમાં વધારો (Car Price Hike): કાર ખરીદવી મોંઘી બનશે
જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ૧ જુલાઈ પહેલા નિર્ણય લેવો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કિયા મોટર્સ (Kia Motors) પોતાની કારની કિંમતોમાં ૨ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે. તો બીજી તરફ, ટાટા મોટર્સ (Tata Motors) પણ પોતાના આઈસીઈ (ICE – ઇન્ટરનલ કમ્બશન એન્જિન) અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) મોડલ્સની કિંમતોમાં ૧.૫ ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર બાદ નવી કાર ખરીદનારાઓએ પહેલા કરતા વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
- Advertisement -
- Advertisement -