34.6 C
Ahmedabad
Monday, June 22, 2026

ગુજરાત લોકભવનમાં ઇતિહાસ રચાયો: રાજ્યપાલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ‘શ્રીરામકથા’નો પ્રારંભ


ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવનના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વિશેષ માર્ગદર્શન હેઠળ લોકભવનના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત આયોજિત નવદિવસીય ઐતિહાસિક શ્રીરામકથાનો અત્યંત ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શરૂ થયેલા આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના આદર્શ વ્યક્તિત્વ, કથાની અલૌકિક પૃષ્ઠભૂમિ અને તેના વૈશ્વિક મહત્વ પર સુંદર પ્રકાશ પાડ્યો હતો.

શ્રીરામકથાના મંગલ પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રભુ શ્રીરામનું જીવન એ માત્ર શ્રદ્ધા કે નમન કરવાનો વિષય નથી, પરંતુ તે સાચા અર્થમાં ‘જીવન જીવવાની સર્વશ્રેષ્ઠ કળા’ છે. રામાયણનો દરેક પ્રસંગ આપણને એક આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને પ્રજા વત્સલ આદર્શ રાજા કેવા હોવા જોઈએ તેનો શ્રેષ્ઠ પાઠ ભણાવે છે. કથા માત્ર સાંભળવા પૂરતી સીમિત ન રહેતા, જો તેને જીવનના આચરણમાં ઉતારવામાં આવે તો જીવનની તમામ વ્યથાઓ આપોઆપ દૂર થઈ જાય છે. તેમણે નગરજનોને આ કથાનો અમૃતલાભ લઈ જીવનઘડતર કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં વિશેષ સંવેદનશીલતા ઉમેરતા રાજ્યપાલશ્રીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અદભુત કાર્યશૈલી અને સાદગીના મુક્તકંઠે વખાણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, અત્યંત વ્યસ્ત હોવા છતાં મુખ્યમંત્રીશ્રી સતત લોકસેવામાં પરોવાયેલા રહે છે. તાજેતરમાં જ સામાન્ય નાગરિકની જેમ ટ્રેન પ્રવાસ કરવો, એક સામાન્ય ગામની શાળામાં રાત્રિ રોકાણ કરવું અને અનુસૂચિત જાતિ પરિવારના આંગણે બેસીને ભોજન લેવું એ મુખ્યમંત્રીશ્રીની સાદગી, સમાનતાની ભાવના અને જનતા પ્રત્યેના અપાર લગાવનું ઉત્તમ ઉદાહરણ છે.

આ અવસરે રાજ્યપાલશ્રીએ વ્યાસપીઠ પર બિરાજમાન કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ભાવભેર સ્વાગત કર્યું હતું. તેમણે આચાર્યશ્રીના સમગ્ર પરિવારની વંદનીય ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે, પોતાનો આખો પરિવાર સાથે મળીને ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાના પ્રચાર-પ્રસારનું જે પુનિત કાર્ય કરી રહ્યો છે.તે ખરેખર અભિનંદનીય છે. લોકભવનમાં ભક્તિનો માહોલ સર્જતી આ શ્રીરામકથા આગામી તારીખ 28 જૂન સુધી પ્રતિદિન યોજાશે. જે નગરજનો માટે જ્ઞાન અને ભક્તિની અમૃત વર્ષા સમાન બની રહેશે.

આ ઐતિહાસિક અને પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલ સહિત ઉચ્ચ પદાધિકારીઓ, જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ, લોકભવન પરિવારના સભ્યો અને વિશાળ સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને પરમ આસ્થા અને ઉત્સાહ સાથે શ્રીરામકથાનું રસપાન કર્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -