બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પરિવાર સાથે જોડાયેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બિહારના ગોપાલગંજ જિલ્લામાં અભિનેતાના મોટા ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર કથિત રીતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારા ઇલાજ માટે પટના સ્થિત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, આ ઘટના ગોપાલગંજ જિલ્લાના બેલસંડ ગામમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જૂની અદાવત (દુશ્મની)ના કારણે કેટલાક લોકોએ બિજેન્દ્ર નાથ તિવારી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
હાલત નાજુક, પટના મોકલાયા
ઘટના બાદ ઘાયલ બિજેન્દ્ર નાથ તિવારીને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમની ગંભીર સ્થિતિને જોતા તેમને પટના રિફર કરી દીધા. મીડિયા અહેવાલો અનુસાર, તેમની હાલત ચિંતાજનક બનેલી છે. અને નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
જૂની અદાવતની આશંકા
પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે, આ હુમલા પાછળ જૂનો વિવાદ કારણ હોઈ શકે છે. આરોપ છે કે, પડોશમાં રહેતા કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. જોકે, પોલીસનું કહેવું છે કે, મામલાની તપાસ ચાલી રહી છે. અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ જ હુમલાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
આરોપીઓની શોધમાં પોલીસ
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આરોપીઓની ઓળખ થઈ ગઈ હોવાનો દાવો કર્યો છે અને તેમની ધરપકડ કરવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. શંકાસ્પદોની શોધમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસે પરિવારના સભ્યો અને આસપાસના લોકોની પૂછપરછ કરીને ઘટનાક્રમની માહિતી મેળવી છે.
ગામમાં તણાવનો માહોલ
હુમલા બાદ બેલસંડ ગામ અને આસપાસના વિસ્તારમાં તણાવની સ્થિતિ હોવાનું કહેવાય છે. કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે પોલીસ સાવચેતીના ભાગરૂપે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
નોંધનીય છે ,કે પંકજ ત્રિપાઠીનું વતન ગોપાલગંજ જિલ્લાનું બેલસંડ ગામ છે. અભિનેતા અવારનવાર પોતાના ગામે આવતા રહે છે. અને સ્થાનિક લોકો સાથે જોડાયેલા રહે છે. ભાઈ પર થયેલા હુમલાના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો અને શુભેચ્છકોમાં પણ ચિંતાનો માહોલ છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં જોતરાઈ છે. અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.