દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં! કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: વૈજ્ઞાનિક આધાર ન હોવાના કારણે 16 મિશ્ર દવાઓ (FDCs) પર તાત્કાલિક પ્રતિબંધ

દેશમાં દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. વૈજ્ઞાનિક પુરાવા અને તબીબી તર્કનો અભાવ હોવાના કારણે સરકારે 16 ફિક્સ-ડોઝ કોમ્બિનેશન (FDC) એટલે કે મિશ્ર દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધિત દવાઓમાં જાણીતી એન્ટિબાયોટિક્સ, પેઈન-કિલર્સ (દર્દનિવારક) અને સ્કીન કેર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કડક એક્શન
આ મોટી કાર્યવાહી દેશમાં વેચાતી ફિક્સ-ડોઝ કોમ્બિનેશન દવાઓની સમીક્ષા કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કરવામાં આવી છે.
-
નિષ્ણાતોની સમિતિની રચના: કોર્ટના નિર્દેશોના પગલે ‘ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ’ (DTAB) દ્વારા એક ખાસ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. આ સમિતિનું કામ એ તપાસવાનું હતું કે બજારમાં મળતા આ ડ્રગ કોમ્બિનેશન વૈજ્ઞાનિક રીતે યોગ્ય અને દર્દીઓ માટે સુરક્ષિત છે કે નહીં.
-
મંત્રાલયની કાર્યવાહી: સમિતિની તપાસમાં સામે આવ્યું કે આ 16 કોમ્બિનેશન પાછળ કોઈ તબીબી તર્ક નથી. તેનાથી થનારા સંભવિત જોખમો ફાયદા કરતા ઘણા વધારે છે. આ ભલામણોના આધારે સ્વાસ્થ્ય મંત્રાલયે ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ’ હેઠળ શનિવારે આ તમામ દવાઓ પર બેન લગાવી દીધો છે.
કઈ-કઈ દવાઓ પર પ્રતિબંધ મુકાયો?
સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી મિશ્ર દવાઓમાં મુખ્યત્વે નીચે મુજબની પ્રોડક્ટ્સ શામેલ છે:
-
એન્ટિબાયોટિક્સ: એમોક્સિસિલિન (amoxicillin), સેફ્યુરોક્સિમ (cefuroxime) અને સેફાડ્રોક્સિલ (cefadroxyl) જેવા મજબૂત એન્ટિબાયોટિક્સ ધરાવતા કોમ્બિનેશન.
-
દર્દનિવારક: શરીરના સામાન્ય દુખાવા તેમજ પેટના દુખાવા (abdominal cramps) માં રાહત આપતી કેટલીક મિશ્ર દવાઓ.
-
ત્વચાની સારવાર (Dermatological): એલોવેરા આધારિત ત્વચાની સારવાર માટે બજારમાં મળતી કેટલીક પ્રોડક્ટ્સ.
ફિક્સ-ડોઝ કોમ્બિનેશન (FDC) એટલે શું? જ્યારે બે અથવા બેથી વધુ દવાઓને એક નિશ્ચિત માત્રામાં ભેગી કરીને એક જ ટેબ્લેટ, સિરપ કે ઇન્જેક્શન બનાવવામાં આવે, તેને ફિક્સ-ડોઝ કોમ્બિનેશન (FDC) કહેવાય છે. જો આ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ન હોય, તો તે શરીરના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
- Advertisement -
- Advertisement -