દેશની પ્રથમ ડ્રાઇવરલેસ પોડ ટેક્સી નોઇડા અને મુંબઈમાં શરૂ થશે: જાણો રૂટ, ભાડું અને તેની વિશેષતાઓ

દેશમાં શહેરી ટ્રાફિક અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી (અંતિમ સ્ટોપ સુધી પહોંચવાની સુવિધા) ની સમસ્યાને દૂર કરવા માટે સરકાર ટૂંક સમયમાં જ ડ્રાઇવરલેસ પોડ ટેક્સી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ભારતની આ પ્રથમ પર્સનલ રેપિડ ટ્રાન્ઝિટ (PRT) આધારિત પોડ ટેક્સી પરિયોજના હશે..જેની શરૂઆત સૌથી પહેલા નોઇડા અને મુંબઈથી કરવાની યોજના છે.
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના નોઇડા અને મહારાષ્ટ્રના મુંબઈમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર પાયાના સ્તરે કામ શરૂ થઈ ચૂક્યું છે.સરકારનો ઉદ્દેશ્ય એરપોર્ટ, મેટ્રો સ્ટેશન અને વ્યાવસાયિક વિસ્તારો વચ્ચે ઝડપી, સુવિધાજનક અને જામ-મુક્ત મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે.
નોઇડામાં જેવર એરપોર્ટથી ફિલ્મ સિટી સુધી કનેક્ટિવિટી
નોઇડામાં આ સેવા જેવર સ્થિત નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટને સેક્ટર-૨૧માં વિકસિત થઈ રહેલી ફિલ્મ સિટી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો જેવા કે ટોય પાર્ક અને ટેક્સટાઇલ પાર્ક સાથે જોડશે. સરકારનું લક્ષ્ય વર્ષ 2028ના મધ્ય સુધીમાં આ પરિયોજનાને મુસાફરો માટે શરૂ કરવાનું છે.
નોઇડામાં પોડ ટેક્સીનું અંદાજિત ભાડું આશરે 8 રૂપિયા પ્રતિ કિલોમીટર હોઈ શકે છે. જોકે, અંતિમ ભાડું સંચાલન શરૂ થવાના સમયે નક્કી કરવામાં આવશે.
મુંબઈના BKCમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી પર ભાર
મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં મેટ્રો અને લોકલ સ્ટેશનથી ઓફિસ સુધીની મુસાફરીને સરળ બનાવવા માટે પોડ ટેક્સી પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. એપ્રિલ 2026માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પરિયોજનાના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કરવામાં આવ્યા બાદ હવે તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે.
પોડ ટેક્સીની ખાસિયતો શું હશે?
-
પેસેન્જર ક્ષમતા અને ઝડપ: આ ડ્રાઇવરલેસ અને સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ટેક્સી હશે. જેમાં એક સમયે 4થી6 મુસાફરો સફર કરી શકશે. તમામ પોડ વાતાનુકૂલિત (AC) હશે અને તેની મહત્તમ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
-
વેઇટિંગ ટાઈમ: મુસાફરોને દર 5 મિનિટમાં પોડ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
-
લિફ્ટ જેવી ટેકનોલોજી: આ ટેક્સીની સૌથી મોટી ખાસિયત એ હશે કે તે લિફ્ટની જેમ કામ કરશે. મુસાફર સ્ટેશન પર જઈને પોતાની મંજિલ (ગમ્યસ્થાન) પસંદ કરશે અને પોડ સીધી તે જ સ્ટેશન પર રોકાશે.વચ્ચેના કોઈપણ સ્ટોપ પર ઊભી રહેશે નહીં.
AI અને સેન્સર ટેકનોલોજીથી થશે સંચાલન
પોડ ટેક્સી બે આધુનિક ટેકનોલોજી પર આધારિત હશે. તેમાં લાગેલા સેન્સર્સ રસ્તામાં આવતી અડચણોને ઓળખી લેશે. જેનાથી અકસ્માતની શક્યતાઓ નહિવત થઈ જશે. બીજી તરફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને કમ્પ્યુટર એલ્ગોરિધમ એ નક્કી કરશે કે કયા રૂટ પર કેટલી પોડ ટેક્સીઓની જરૂરિયાત છે.
આ તમામ ટેક્સીઓનું સંચાલન સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે અને તે જમીનથી 5 થી 10 મીટર ઊંચા એલિવેટેડ ગાઇડવે ટ્રેક પર દોડશે.
પર્યાવરણને અનુકૂળ સિસ્ટમ
બેટરી આધારિત આ સેવા ઝીરો-કાર્બન ઉત્સર્જન પ્રણાલી પર કામ કરશે. તેમાં રબરના ટાયર અથવા મેગ્નેટિક ટ્રેકનો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે અવાજ ખૂબ જ ઓછો થશે અને પ્રદૂષણ નિયંત્રણમાં પણ મોટી મદદ મળશે.
વિશ્વના આ શહેરોમાં પહેલેથી ચાલે છે પોડ ટેક્સી
દુનિયાના કેટલાક દેશોમાં પોડ ટેક્સી સિસ્ટમ પહેલેથી જ કાર્યરત છે. લંડનના હીથ્રો એરપોર્ટ પર ‘અલ્ટ્રા પીઆરટી’ લાંબા સમયથી સેવામાં છે. આ સિવાય અમેરિકાની વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટી, અબુ ધાબીના મસદાર સિટી, દક્ષિણ કોરિયાના સનચિઓન અને ચીનના ચેંગદુમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જો નોઇડા અને મુંબઈમાં આ પ્રોજેક્ટ સફળ રહેશે. તો ભવિષ્યમાં બેંગલુરુ, દિલ્હી અને હૈદરાબાદ જેવા મોટા શહેરોના વ્યસ્ત વિસ્તારોમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવી શકે છે.
- Advertisement -
- Advertisement -